મહારાષ્ટ્રના અહમદનગરમાં બીજેપી ધારાસભ્ય નીતેશ રાણે સામે કેસ નોંધવામાં આવ્યો છે. રાણે પર ભડકાઉ ભાષણ આપવા અને ધામક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ છે. ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૦૨, ૧૫૩ અને અન્ય કલમો હેઠળ ભાજપના ધારાસભ્ય વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. નીતેશ રાણેએ એક કાર્યક્રમમાં મુસ્લિમોને ખુલ્લેઆમ ધમકી આપી હતી અને કહ્યું હતું કે શોધી શોધીને મારીશું. તેની સામે બે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. એક કેસ શ્રીરામપુરમાં અને બીજો તોપખાના પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે.
વાસ્તવમાં અહમદનગરમાં રામગીરી મહારાજના સમર્થનમાં મોરચો કાઢવામાં આવ્યો હતો. આ મોરચામાં મોટી સંખ્યામાં હિન્દુ સમાજના લોકો હાજર રહ્યા હતા. મોરચા બાદ નીતેશ રાણેની એક બેઠક યોજાઈ હતી, જેમાં તેમણે મુસ્લિમોને ખુલ્લેઆમ ધમકી આપી હતી. રાણેએ કહ્યું, ‘જો કોઈ અમારા રામગીરી મહારાજ વિરુદ્ધ કંઈપણ કહેશે તો તેઓ મસ્જિદોમાં આવશે અને શોધી શોધીને મારીશું.’
મહંત રામગીરી મહારાજે મુસ્લિમ સમાજના પયગંબર પર ટિપ્પણી કર્યા બાદ, મહારાષ્ટ્ર રાજ્યના વિવિધ જિલ્લાઓમાં મહારાજ વિરુદ્ધ મોરચો કાઢવામાં આવ્યો હતો. તે પછી, રામગિરિ મહારાજના સમર્થનમાં ભાજપના નેતા નીતેશ રાણેના નેતૃત્વમાં સમગ્ર હિંદુ સમુદાય વતી અહમદનગરમાં મોરચો કાઢવામાં આવ્યો હતો.
એઆઇએમઆઇએમના નેતા વારિશ પઠાણે નીતિશ રાણેનો વીડિયો શેર કર્યો અને આરોપ લગાવ્યો કે, ભાજપ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પહેલા સાંપ્રદાયિક હિંસા કરવા માંગે છે. નીતેશ રાણેનું ભાષણ ભડકાઉ છે અને નીતિશ સામે એફઆઈઆર દાખલ થવી જોઈએ અને કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.