શિયાળો પૂરો થાય તે પહેલા જ આકરો ઉનાળો જામ્યો, ફેબ્રુઆરીના અંત સુધીમાં મહત્તમ તાપમાન ૩૭થી ૩૮ ડિગ્રી આસપાસ પહોંચી જશે

નવીદિલ્હી,

પવનની દિશા બદલાતા જ તાપમાનમાં ફેરફાર જોવા મળે છે. રાજ્યમાં ઉત્તર પશ્ર્ચિમનો પવન ફૂંકાઈ રહ્યો છે. પવનની દિશા બદલાતા ઠંડીનું જોર ઘટ્યું છે. તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. હવામાન વિભાગનો અનુમાન છે કે, આગામી ચાર દિવસ મહત્તમ અને લઘુતમ તાપમાન યથાવત્ રહેશે. તેમજ એક દિવસમાં બેવડી ૠતુનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા એક સપ્તાહમાં મહત્તમ તાપમાન ૩થી ૪ ડિગ્રી સુધી વધી ગયું છે. શિયાળો પૂરો થાય તે પહેલા જ આકરો ઉનાળો શરૂ થઇ ગયો છે ત્યારે આ મહિનાના અંતમાં જ ગરમી શરૂ થઇ જશે અને પારો ક્યાંક ૩૮ ડિગ્રી સુધી જવાની અને ઉનાળો આકરો રહેવાની વકી છે.

છેલ્લા કેટલાક દિવસોથી મહત્તમ અને લઘુતમ તાપમાનમાં સતત વધારો થઇ રહ્યો છે. જો કે, હજુ લઘુતમ તાપમાન ૧૮ ડિગ્રીની આસપાસ રહેતા વહેલી સવારે ફૂલગુલાબી ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. જ્યારે બપોરે તાપમાનનો પારો ૩૫ ડિગ્રીની આસપાસ રહેતા ગરમી વર્તાઇ રહી છે. આમ બૈવડી ૠતુને કારણે લોકો રોગના ભોગ બની રહ્યાં છે. ત્યારે હવામાન નિષ્ણાતના જણાવ્યા અનુસાર, હાલ તો ઠંડી ઘટી રહી છે અને ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. વહેલી સવારે ઠંડી લાગે છે. જ્યારે મહત્તમ તાપમાન વધવાના કારણે દિવસે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. લઘુત્તમ તાપમાન પણ વધી જશે. ૧૨ અને ૧૩ ફેબ્રુઆરીના વાદળછાયું વાતાવરણ રહેશે. ૧૯થી ૨૦ ફેબ્રુઆરીએ વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમી જોર પકડશે.

ફેબ્રુઆરીના અંત સુધીમાં મહત્તમ તાપમાન ૩૭થી ૩૮ ડિગ્રી આસપાસ પહોંચી જશે. માર્ચ મહિનામાં આકરી ગરમીનો અહેસાસ થવા લાગશે. મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રી આસપાસ પહોંચી જશે. એપ્રિલ અને મે મહિનામાં તો અંગ દઝાડતો તાપ પડશે. ચાલુ વર્ષનો ઉનાળો આકરો રહેવાની પણ શક્યતા છે.