પાકિસ્તાનનાં કરાચીની ગલીઓમાં શિયા વિરોધી પ્રદર્શનો કરવા માટે હજારો લોકો ઉમટ્યા. કરાચીમાં શિયા સમુદાય સાથે જોડાયેલા લોકો પર ધર્મમાં વિશ્વાસ નહીં દર્શાવતા હોવાનું લેબલ લગાવાઈ રહ્યું છે. લોકો ‘શિયા કાફિર હૈ’ નાં નારા લગાવતા જઇ રહ્યા છે. આવા નારા લગાવવામાં આવ્યા બાદ દેશમાં હાજર આતંકવાદી સંગઠનો સામે કડક કાર્યવાહી કરવાના પાકિસ્તાનના ઇરાદા ઉપર ગંભીર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.
આતંકવાદી સંગઠન સિપાહ-એ-સહાબા પાકિસ્તાન(SSP)ની આગેવાનીમાં હજારો લોકોએ આ રેલીમાં ભાગ લીધો. આ રેલી એમ.એ. જિન્નાહ માર્ગ પર દિવસના પ્રકાશમાં નિકળી, SSP પાકિસ્તાનમાં શિયા લઘુમતીઓની કતલ કરવામાં સામેલ રહ્યું છે. રેલી દરમિયાન ‘શિયા કફિર હૈ’નાં નારા લગાવવામાં આવી રહ્યા હતા, સાથે રેલીમાં હાજર લોકો આતંકવાદી સંગઠન સિપાહ-એ-સહાબા પાકિસ્તાનનું બેનર લહેરાવી રહ્યા હતા.
આ સાથે દેશમાં તોફાનો થવાની સંભાવના છે. પાકિસ્તાનના આર્થિક કેન્દ્ર કરાચીમાં, એક આતંકી સંગઠનના બેનર હેઠળ, એક ખાસ વર્ગ વિરુદ્ધ આવી વિશાળ રેલી જોઈને સામાન્ય લોકો પણ આશ્ચર્યચકિત થઇ ગયા છે. એટલું જ નહીં, જે લોકો રેલીમાં શિયા વિરોધી નારા લગાવતા હતા, તેઓ વહીવટ અથવા અધિકારીઓની પણ અવગણના કરતા જોવા મળ્યા હતા, આ બધું દેશમાં ઇમરાન ખાનની આગેવાનીવાળી સરકારનાં આતંકવાદી સંગઠનોને જડમૂળથી ઉખાડી નાખવાના ઇરાદા પર સવાલ ઉભો કરે છે.