- અવિશ્ર્વાસના પ્રસ્તાવનો સામનો કર્યો હોત તો અમે એ પ્રસ્તાવને રદ ઠેરવ્યો હોત : કોર્ટ
- ઠાકરેએ મુખ્ય પ્રધાન પદેથી રાજીનામું આપીને ભુલ કર્યાની નોંધ કરી.
રાજ્યમાં સત્તાસંઘર્ષ પ્રકરણે સુપ્રીમ કોર્ટમા સતત ત્રીજા દિવસે સુનાવણી થઈ હ તી. આજની સુનાવણી નિર્ણાયક તબકકે પહોંચી છે. ઉદ્ધવ ઠાકરેએ મુખ્ય પ્રધાન પદેથી રાજીનામું આપીને ભુલ કરી હોવાનું મહત્ત્વનું નિરીક્ષણ મુખ્ય ન્યાયમૂર્તિ એ કર્યું હતું અવિશ્ર્વાસના પ્રસ્તાવનો સામનો કર્યો હોત તો અમે એ પ્રસ્તાવને રદ ઠેરવ્યો હોત, એમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું.
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ ધનંજય ચંદ્રચૂડ, ન્યા. શાહ, ન્યા. મુરારી, ન્યા. કોહલી, ન્યા. નરસિંહા એમ પાંચ જણની બંધારણીય બેન્ચ સમક્ષ સુનાવણી થઈ હતી. આજની સુનાવણીમાં બહુમત પરીક્ષણ, રાજ્યપાલની ભૂમિકા, શિંદે જૂથના વિધાનસભ્યો ગુવાહાટી શા માટે ગયા વિષય પર જોરદાર દલીલો થઈ હતી.
મુખ્ય ન્યાયમૂર્તિએ ઠાકરે જૂથ માટે મહત્ત્વનું નિરીક્ષણ કર્યું હતું કે તમે બહુમતી પરીક્ષણનો સામનો કર્યો હતો અને ૩૯ વિધાનસભ્યોને કારણે તમે હાર્યા પણ હોત તો પણ તેઓ અપાત્ર ઠર્યા બાદ તમે જીતી શક્યા હોત. અમે તમારું બહુમતી પરીક્ષણ રદ કર્યું હોત. તમે તેનો સામનો કર્યો નહીં અને આ ૩૯ વિધાનસભ્યો તમારી સરકાર વિરુદ્ધ ક્યાંય પણ મતદાન કર્યું નથી. તમે અવિશ્ર્વાસના પ્રસ્તાવનો સામનો કર્યો નહીં હવે અમારે શું કરવું? ઉદ્ધવ ઠાકરેનું રાજીનામું આ તેમના પક્ષની મોટી મુશ્કેલી છે, એમ મુખ્ય ન્યાયાધીશે નોંધ્યું હતું.
રાજ્યપાલે બંધારણનું અપમાન કર્યું છે જે ઐતિહાસિક અને ખેદજનક બાબત છે, ચૂંટણી પંચે પણ શિવસેનામાં ફૂટનો ઉલ્લેખ તેમના નિર્ણયમાં કર્યો છે. રાજયપાલના અધિકાર વિશે દસમા અનુચ્છેદનો વિચાર થવો જોઈએ. સભાગૃહની ઘટના સાથે રાજ્યપાલનો સંબંધ નથી હોતો તેમને રાજકીય બાબતો સાથે સંબંધ હોય છે. એકનાથ શિંદેની સત્તા સ્થાપનામાં રાજ્યપાલની ભૂમિકા શકાસ્પદ હોવાની તેમણે દલીલ કરી હતી. રાજ્યપાલે અધિકારનો દુરુપયોગ કરીને શિંદેને અપાવેલી શપથવિધિ ખોટી ઠરશે તો શિંદેની સરકાર જશે. સત્તાધારી પક્ષના વિધાનસભ્યો સરકાર કઈ રીતે પાડી શકે? તેઓ અવિશ્ર્વાસ પ્રસ્તાવ કઈ રીતે લાવી શકે?
અપાત્રતાનો મુદ્દો ઉકેલાયા પછી જ રાજ્યપાલે બહુમતી પુરવાર કરવાનો નિર્ણય લેવો જોઈતો હતો. રાજ્યપાલે અધિવેશન બોલાવવા બાબતે પ્રધાનમંડળને પૂછીને કરવી જોઈએ. શિંદેના બળવા બાદ ઠાકરે પાસે બહુમતી રહી નહોવાનું મુખ્ય ન્યાયમૂર્તિએ નોંધ્યું હતું. આના પર સિબ્બલે જણાવ્યું હતું કે રાજ્યપાલ પોતે ઠાકરેનું બહુમત પરીક્ષણ લેવાનું કહી શકે નહીં. વિપક્ષે માગણી કરવી જોઈતી હતી.
રાજ્યપાલે શિંદેને તમારો પક્ષ કયો છે એ તો પૂછવું જોઈતું હતું. આસામમાં બેસીને ભરત ગોગાવલેની નિયુક્તિ વ્હીપ તરીકે થઈ શકે નહીં. વળી ઠાકરે જૂથના વિધાનસભ્યોને વ્હીપ બજાવે છે, જે નિમણૂક જ ખોટી છે. શિંદેએ ચૂંટણી પંચને દિશાભૂલ કરનારી માહિતી આપી હતી. શિંદેએ ચૂંટણી પંચમાં ૧૯ જુલાઈએ અરજી કરી હતી.જેમાં ૨૭ જુલાઈનીબેઠક બાબતે માહિતી આપવામાં આવી હતી. આગળ શું થવાનું છે એ શિંદેને પહેલેથી જાણ હતી, એવી દલીલ ઠાકરે વતી સિબ્બલે કરી હતી.બપોરે ત્રણ વાગ્યે દલીલો પૂર્ણ થઈ હતી. કોંગ્રેસ નેતા પવન ખેરાની ધરપકડ બાબતના પ્રકરણમાં મુખ્ય ન્યાયમૂર્તિ એ તાત્કાલિક બીજી બેન્ચમાં જવાનું હતું. આથી આજે એક કલાક પૂર્વે દલીલો પૂરી થઈ હતી. બાકીની દલીલ આવતા સપ્તાહે થશે.