શિવરી-વરલી એલેવેટેડ કોરિડોરને કારણે પરેલ-એલ્ફિન્સ્ટનમાં ૩૮૬ માળખા તોડાશે

મુંબઈ,

પરેલ અને એલ્ફિન્સ્ટન રોડના રહેવાસીઓ અને દુકાનદારોને મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) પાસેથી શિવરી-વરલી એલેવેટેડ કોરિડોર પ્રોજેક્ટને કારણે તેમના પુનર્વસન બાબતે ચર્ચા કરવા આવવાની નોટિસ મળતા તેમનામાં ફફડાટ ફેલાયો છે.

પરેલ-વરલી એલેવેટેડ કોરિડોર પ્રોજેક્ટને કારણે પરેલ અને એલ્ફિન્સ્ટન વિસ્તારમાં રહેવાસીઓ અને દુકાનદારો એમએમઆરડીએની નોટિસ મળ્યા પછી બે મહિનાથી તણાવમાં છે. આ વિસ્તારમાં પ્રભાદેવી અને પરેલ રેલવે સ્ટેશનો નજીક સદી જૂના એલ્ફિન્સ્ટન બ્રિજ નજીક લગભગ ૩૮૬ ઘર અને દુકાનો છે. છેલ્લા છ મહિનાથી એમએમઆરડીએએ શિવરીમાંથી પ્રોજેક્ટથી અસર પામેલા લગભગ ૮૦૦ લોકોને હટાવી લીધા છે.

સ્થાનિકોએ જણાવ્યું કે તેઓ પણ શહેરી વિકાસની તરફેણ કરે છે પણ તેમને અપાતા નાણાંકીય વળતર અને તેમના પુનર્વસન બાબતે તેમને અસંતોષ છે. તેમણે એમએમઆરડીએ પર કોઈપણ સ્પષ્ટતા ન કરવાનો આરોપ લગાવ્યો છે.

સ્થાનિકોનો આક્ષેપ છે કે પ્રશાસન પારદર્શિતાના બહાને તેમને એક વિભાગથી બીજા વિભાગમાં દોડાવી રહ્યું છે. શરૂઆતમાં પુનર્વસનની જવાબદારી પાલિકાને સોંપાઈ હતી. પછી જાણ થઈ કે આ જવાબદારી એમએમઆરડીએ સંભાળશે. બીજી તરફ એમએમારડીએના અધિકારીઓ જણાવે છે કે તેમની પાસે પુનર્વસન માટે જમીન જ નથી. તેમણે નવી દુકાન મળે ત્યાં સુધી જૂની દુકાનના ભાડા આપવાની વાત કરી હતી. પણ જૂના વેપારીઓ નવા સ્થાને જવા તૈયાર નથી. તેમને પોતાના જૂના ગ્રાહકો ગુમાવી દેવાનો ભય સતાવે છે.

એમએમઆરડીએના કમિશનર જણાવે છે કે કેટલાક નાગરિકો એક સમયનું વળતર માગે છે જ્યારે કેટલાક હંગામી જગ્યા માટે અમુક સગવડો માગે છે. અમે પાલિકા પાસે તેની ઈમારતમાં દુકાનોની માગણી કરી છે. તેની સાથે વાતચીત ચાલી રહી છે. અમારે ઝડપથી પ્રોજેક્ટ પૂર્ણ કરવો છે. આ કનેક્ટર એમટીએચએલ અને કોસ્ટલ રોડને જોડતું હોવાથી મહત્વનું છે.કેટલાક ઘર માલિકો ફરિયાદ કરે છે કે કોન્ટ્રાકટરના માણસો આવીને ઘરમાં માર્કિંગ કરી ગયા છે પણ તેમને બીજુ ઘર ક્યાં મળશે તેના વિશે કોઈ માહિતી આપવામાં નથી આવી. તેઓ અમને મીટિંગ માટે બોલાવે છે પણ કોઈ નિર્ણય નથી લેવાયો. ત્રસ્ત રહેવાસીઓ અને દુકાનદારોએ હવે એસોસિયેશન બનાવીને સંપીને કામ કરવાનો નિર્ણય કર્યો છે.