મુંબઇ,
કેન્દ્રીય ચૂંટણી પંચે એકનાથ શિંદે જૂથને નામ અને પ્રતીક આપ્યા બાદ પ્રથમ વખત શિવસેનાની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક યોજાઈ હતી. મુંબઈમાં હોટેલ પ્રેસિડેન્ટમાં યોજાયેલી આ બેઠકની અયક્ષતા એકનાથ શિંદેએ કરી હતી. બેઠક પૂરી થયા બાદ કેબિનેટ મંત્રી ઉદય સામંતે તેની દરખાસ્તો અને માગણીઓ સંબંધિત માહિતી મીડિયા સાથે શેર કરી હતી. તેમણે કહ્યું હતુ કે એકનાથ શિંદેને શિવસેનાના ‘મુખ્ય નેતા’ તરીકે યથાવત છે અને પાર્ટીના પદાધિકારીઓ અને નેતાઓએ તેમને પાર્ટી સંબંધિત તમામ બાબતોમાં નિર્ણય લેવાનો અધિકાર આપ્યો હતો. તો આ સાથે ઉદય સામંતે કેટલીક સ્પષ્ટતા પણ કરી હતી,કહેવામાં આવી રહ્યુ હતુ કે હવે ઠાકરે જૂથની સંપત્તિ અને ભંડોળનો દાવો કરવામાં આવશે અને તેમની ઓફિસો પર કબજો કરવામાં આવશે. ઉદય સામંતે સ્પષ્ટ કર્યું કે આવું કંઈ થવાનું નથી.આ બેઠકમાં શિંદેએ કહ્યું હતુ કે બાળાસાહેબ ઠાકરેના વિચારો અમારી સંપત્તિ છે. અમારો કોઈ અન્યની મિલક્તનો દાવો કરવાનો કોઈ ઈરાદો નથી.
તો રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં નક્કી થયું કે શિવસેના વીર સાવરકરને ભારત રત્ન આપવાની માગ કરશે. આ સાથે નોકરીમાં ૮૦ ટકા જગ્યાઓની પસંદગીમાં ખેડૂતોના પુત્રોને પ્રાથમિક્તા આપવામાં આવશે. તો યુપીએસસી અને એમપીએસસીમાં આવવા માટે પ્રેરિત કરવામાં આવશે અને આ માટે તેમને શક્ય તમામ મદદ આપવામાં આવશે.આ ઉપરાંત મુંબઈના ચર્ચગેટ સ્ટેશનનું નામ પૂર્વ કેન્દ્રીય મંત્રી ચિંતામણરાવ દેશમુખના નામ પર રાખવામાં આવશે.
મહત્વનું છે કે રામદાસ કદમના પુત્ર સિદ્ધેશ કદમની શિવસેનાના સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ સાથે શિસ્ત જાળવવા માટે એક કમિટી પણ બનાવવામાં આવી છે. આ ત્રણ સભ્યોની કમિટી કેબિનેટ મંત્રી દાદા ભુસેની અયક્ષતામાં કામ કરશે. આ ઉપરાંત સંજય રાઉતના ઉશ્કેરણીજનક નિવેદનોને લઈને પ્રતિબંધનો ઠરાવ પણ લાવવામાં આવ્યો હતો.