શિવસેનામાં વિદ્રોહ થતા જ ઉદ્ધવે મને સીએમ પદ ઓફર કર્યું હતું

મુંબઈ,

મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે દાવો કર્યો હતો કે શિવસેનામાં બળવા બાદ ઉદ્ધવ ઠાકરેએ મને મુખ્યમંત્રી પદ આપવાની ઓફર કરી હતી. જ્યારે આ નિવેદન પર શિવસેના(યુબીટી) નેતા અને સાંસદ સંજય રાઉતે કહ્યું કે દેવેન્દ્ર ફડણવીસ લોકો વચ્ચે સનસનાટી મચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

દેવેન્દ્ર ફડણવીસે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે જ્યારે એકનાથ શિંદેના નેૃતૃત્વમાં ધારાસભ્યોએ બળવો પોકાર્યો હતો ત્યારે ઠાકરેએ તેમનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો પણ મેં તેમને જવાબ આપ્યો કે અમે આગળ વધી ચૂક્યા છીએ. ઉદ્ધવે કહ્યું કે જે થઈ ગયું તે થઇ ગયું, હવે તમે મુખ્યમંત્રી બની જાઓ. મેં સાફ ના પાડી દીધી કે હવે સમય વીતી ગયો છે. હું વિશ્ર્વાસઘાત કરનારાઓમાં સામેલ નથી. હવે એકનાથ શિંદેઅ ને ધારાસભ્યો અમારી પડખે છે તો અમે તેમની સાથે દગો ન કરી શકીએ. આ અમારા રાજકારણનો હિસ્સો નથી.

શિવસેના ગુમાવ્યા બાદ પૂર્વ મુખ્યમંત્રી ઠાકરે ફરી એકવાર મિશન મહારાષ્ટ્ર પર નીકળ્યા છે. તેમણે શનિવારે જ રાજ્યવ્યાપી શિવગર્જના અને શિવસંવાદ અભિાયનની શરૂઆત કરી હતી. તે ત્રણ માર્ચ સુધી ચાલશે. અભિયાનનો ઉદ્દેશ્ય સ્થાનિક સ્તરે કાર્યકરોનો મનોબળ વધારવા અને શિવસેના ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે(યુબીટી)નો રકાસ અટકાવવાનો છે.