શિરડીની બેંકો માટે ચિલ્લર આફત બની,દર વર્ષે સાડા ત્રણ કરોડ રૂપિયાના સિક્કા આવે છે,બેંકો હવે અસમર્થતા દર્શાવી રહી છે.

શિરડી,શિરડી સાંઈબાબા એ લાખો શ્રદ્ધાળુઓનું શ્રદ્ધા સ્થાન છે અને અહીં આવીને ભક્તો શક્ય એટલું દાન કરે છે અને આ દાન અલગ અલગ સ્વરૂપનું હોય છે. સોનું, ચાંદી, ચેક વગેરે વગેરે અહીંની દાનપેટીમાં લોકો છુટ્ટા સિક્કા પણ નાખે છે અને આ સિક્કા જ શિરડી સાંઈ સંસ્થાન અને બેંકો માટે માથાનો દુ:ખાવો બની રહ્યા છે. સંસ્થાન પાસે દર વર્ષે સાડાત્રણ કરોડ રૂપિયાના સિક્કા આવે છે અને આ સિક્કાઓ સ્વીકારવા માટે બેંકો હવે અસમર્થતા દર્શાવી રહી છે.

દરરોજ હજારો ભક્તો શિરડીની મુલાકાતે આવે છે અને તેમની ઈચ્છા અને શક્તિ અનુસાર દાન કરે છે. આ દાનમાં મળેલા સિક્કાઓનું પ્રમાણ ખૂબ વધુ છે. મંદિરની દાનપેટીમાં દર અઠવાડિયે સરેરાશ સાત લાખ રૂપિયા અને વર્ષમાં સાડા ત્રણ કરોડ રૂપિયાના સિક્કા ભેગા થાય છે. પરંતુ હવે શિરડીની બેંકો માટે આ સિક્કા સ્વીકારવાનું મુશ્કેલ છે. શિરડીની ૧૨થી વધુ અને નાસિકની નેશનલાઈઝ્ડ બેંકમાં સાંઈ સંસ્થાનું એકાઉન્ટ છે. દરેક બેંક પાસે દોઢથી બે કરોડના સિક્કા પડ્યા હોઈ ચાર જેટલી બેંકોએ તો પોતે સિક્કા સ્વીકારવા માટે અસમર્થ હોવાનું જણાવ્યું હતું.

દાનપેટીના આ સિક્કાને કારણે સાંઈ સંસ્થાન સમક્ષ તેમ જ બેંક સમક્ષ એક મોટી સમસ્યા ઉભી થઈ છે. આ સમસ્યાને ઉકેલવા માટે સંસ્થાન શિરડી ઉપરાંત જિલ્લામાં તેમજ ઉપ-જિલ્લામાં રાષ્ટ્રીયકૃત બેંકમાં ખાતું ખોલવાની દિશામાં વિચાર કરી રહ્યું છે. આ સિવાય સંસ્થાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર રાહુલ જાધવે જણાવ્યું હતું કે તેઓ આ સમસ્યાને ઉકેલવા માટે કોઈ રસ્તો કાઢવામાં આવે એવો પ્રસ્તાવ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા સમક્ષ રજૂ કરશે.

રામનવમીની વાત કરીએ તો શિરડીમાં રામનવમી પર્વ દરમિયાન ભક્તોએ સાંઈબાબાને કરોડોનું દાન મળ્યું છે. ત્રણ દિવસમાં બે લાખથી વધુ ભક્તોએ સાંઈના દર્શન કર્યા હતા અને રામનવમી ઉત્સવના ત્રણ દિવસ દરમિયાન સાંઈબાબા સંસ્થાનને કુલ ચાર કરોડ નવ લાખનું દાન મળ્યું હતું, જેમાં દાનપેટીમાં એક કરોડ ૮૧ લાખ ૮૨ હજાર ૧૩૬ રૂપિયા એકત્ર થયા હતા અને ડોનેશન કાઉન્ટર પર ૭૬ લાખ ૧૮ હજાર ૧૪૩ રૂપિયાનું દાન કરવામાં આવ્યું હતું. આ સિવાય ઘણા ભક્તોએ ડેબિટ, ક્રેડિટ કાર્ડ, ઓનલાઈન ડોનેશન, ચેક, ડીડી અને મની ઓર્ડર વગેરે દ્વારા એક કરોડ ૪૧ લાખ ૫૨ હજાર ૮૧૨ રૂપિયા દાનમાં આપ્યા હતા. સોનાની વાત કરીએ તો ૮ લાખ ૬૪ હજારની કિંમતનું ૧૭૧ ગ્રામ સોનું અને ૦૧ લાખ ૨૧ હજાર ૮૧૩ રૂપિયાની કિંમતની ૨ કિલો ૭૧૩ ગ્રામ ચાંદી પણ ભક્તોએ બાબાને અર્પણ કરી હતી.