ઉદ્ધવ ઠાકરેના એક સમયના વિશ્વાસુ અને લોક્સભાની ચૂંટણી પહેલાં પાલો બદલીને મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સાથે જઈને સંસદસભ્ય બનેલા રવીન્દ્ર વાયકર સામે જોગેશ્ર્વરીમાં મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનના રમતગમત માટેના રિઝર્વ પ્લૉટમાં ફાઇવસ્ટાર હોટેલ બનાવવાનો આરોપ કરવામાં આવ્યો હતો. મુંબઈ પોલીસની આથક ગુનાશાખાએ ફરિયાદ નોંધીને તપાસ પણ શરૂ કરી હતી.
આ તપાસ બંધ કરવાનો રિપોર્ટ ફાઇલ કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં પોલીસે કહ્યું છે કે આઝાદ મેદાન પોલીસ-સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જે આરોપ કરવામાં આવ્યા છે એમાં અધૂરી માહિતી છે. ક્રાઇમ બ્રાન્ચના એક અધિકારીએ કહ્યું હતું કે આર્થિક ગુનાશાખાએ કોર્ટમાં રવીન્દ્ર વાયકર, તેમનાં પત્ની મનીષા અને અન્ય ચાર આરોપીઓ સામેના કેસનો ક્લોઝર રિપોર્ટ ફાઇલ કર્યો છે.
કૉન્ગ્રેસના નેતા સચિન સાવંતે આરોપ કર્યો હતો કે ‘રવીન્દ્ર વાયકર સામેનો ક્લોઝર રિપોર્ટ રાજ્યમાં ૧૦ વર્ષથી કરવામાં આવતું રાજકીય બ્લૅકમેઇલનું વધુ એક ઉદાહરણ છે. ભારતીય જનતા પાર્ટીના વૉશિંગ મશીનમાં બધા ગુના માફ થઈ જાય છે. રાજકીય વિરોધીઓ સામે ભ્રષ્ટાચારના આરોપ કરીને તેમની સામે ફરિયાદ નોંધવામાં આવે છે, તેમને ત્યાં દરોડા પાડવામાં આવે છે અને નેતા ભાજપમાં જોડાઈ જાય તો તેની સામેની તપાસ બંધ કરીને ક્લીનચિટ આપવામાં આવે છે.