‘શિંદે સરકાર નહીં પડે, ભલે ૧૬ ધારાસભ્ય છે : અજિત પવાર

મુંબઇ, સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ મહારાષ્ટ્રમાં રાજકીય હલચલ વધી ગઈ છે. શિવસેના શિંદે જૂથના ૧૬ ધારાસભ્યો પર સસ્પેન્શનની તલવાર લટકી છે, જેના પર સ્પીકરે નિર્ણય લેવાનો છે. દરમિયાન, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા અજિત પવારે આવી વાત કહી છે જે શિંદે ફડણવીસ સરકાર માટે રાહત છે અને ઉદ્ધવ ઠાકરે માટે તણાવમાં વધારો કરશે. પવારે કહ્યું છે કે શિંદે સરકારને કોઈ ખતરો નથી.

શિવસેનામાં બળવા મામલે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ધારાસભ્યોને અયોગ્ય ઠેરવવાનો નિર્ણય સ્પીકર પર છોડી દીધો હતો. હવે શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના એક પ્રતિનિધિમંડળે મહારાષ્ટ્રના ડેપ્યુટી સ્પીકરને ૭૯ પાનાનો પત્ર સુપરત કર્યો છે જેમાં શિંદે જુથના ૧૬ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાના કેસમાં ઝડપી કાર્યવાહીની માંગણી કરવામાં આવી છે. અજિત પવારે સોમવારે એક પ્રેસ કોન્ફરન્સમાં આ અંગે જણાવ્યું હતું.

અજિત પવારે કહ્યું કે જો ૧૬ ધારાસભ્યોને અયોગ્ય ઠેરવવામાં આવે તો પણ શિંદે અને ફડણવીસની સરકાર પડવાની નથી. સરકારને કોઈ ખતરો નથી. તેમણે કહ્યું કે જો ૧૬ ધારાસભ્યો તેમની સદસ્યતા ગુમાવે તો પણ સરકાર ૨૮૮ સભ્યોની વિધાનસભામાં બહુમતી ગુમાવવાની નથી.

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ, શિવસેના યુબીટીએ મહારાષ્ટ્રના ડેપ્યુટી સ્પીકર નરહરિ જીરવાલ અને વિધાનસભા સચિવ જિતેન્દ્ર ભોલેને એક પત્ર સુપરત કર્યો હતો, જેમાં શિંદે જુથના ૧૬ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની માંગણી કરી હતી. શિવસેના યુબીટી વ્હીપ સુનીલ પ્રભુએ કહ્યું કે યુબીટી સેનાએ સુપ્રીમ કોર્ટના આદેશ પર સ્પીકરને પત્ર સુપરત કર્યો છે કે શિંદે કેમ્પના ૧૬ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા અંગેનો નિર્ણય સ્પીકર લઈ શકે છે. તેમણે કહ્યું, “સ્પીકર હજુ સુધી વિદેશ પ્રવાસથી પાછા નથી આવ્યા, તેથી અમે આ પત્ર ડેપ્યુટી સ્પીકરને સોંપ્યો છે.”

હાલમાં સત્તાધારી શિવસેના (શિંદે જૂથ) અને ભાજપ પાસે કુલ ૧૪૫ ધારાસભ્યો છે. જ્યારે અન્ય ધારાસભ્યોને ઉમેરવામાં આવે તો આ સંખ્યા ૧૬૨ પર પહોંચે છે. ૨૮૮ સભ્યોની વિધાનસભામાં આ સંખ્યા બહુમત માટે જરૂરી સંખ્યા કરતા ૧૭ વધુ છે.