શિંદે લોક્સભાના પરિણામો પહેલાં જ વિધાનસભાની તૈયારીમાં લાગ્યા

મુંબઈ, મહારાષ્ટ્રમાં લોક્સભાની ૪૮ બેઠકો માટેનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને હવે ચોથી જૂને પરિણામ શું આવે છે તેના માટે રાહ જોવાઈ રહી છે ત્યારે રાજ્યના મુખ્ય પ્રધાને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આદર્શ અપનાવતા એક પણ દિવસ વેડફ્યા વગર રાજ્યની વિવિધ સમસ્યાના નિરાકરણ માટે દોડાદોડ ચાલુ કરી દીધી છે, એટલું જ નહીં પોતાની પાર્ટીના નેતાઓને પરિણામ સુધીની રાહ જોવાને બદલે વિધાનસભાની ચૂંટણી માટે કામે લાગી જવાનો આદેશ આપ્યો છે. સંગઠનને મજબૂત બનાવવા માટે રાજ્યમાં એકનાથ શિંદેએ પોતાના પદાધિકારીઓને કામે લાગી જવાનો આદેશ આપ્યો છે.

અહીં ઉલ્લેખનીય છે કે આગામી ૨૭ મેના રોજ એનસીપી (અજિત પવારની પાર્ટી) દ્વારા મુંબઈના ગરવારે ક્લબ હાઉસમાં વિધાનસભાની તૈયારી માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

બીજી તરફ એકનાથ શિંદેએ પણ પોતાના કાર્યર્ક્તાઓને વિધાનસભાની ચૂંટણીની તૈયારીમાં લાગી જવાના આદેશ આપ્યા છે. તેઓ પોતે રાજ્યના વિવિધ વિસ્તારોમાં અત્યારે સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે અને જિલ્લાવાર બેઠકો કરી રહ્યા છે. દુકાળનો સામનો કરી રહેલા છત્રપતિ સંભાજીનગર વિભાગની માહિતી બે દિવસ પહેલાં લેનારા એકનાથ શિંદેએ શનિવારે અન્ય દુકાળગ્રસ્ત ભાગ લાતુરની મુલાકાત લીધી હતી અને અહીં પાણી માટે આંદોલન કરી રહેલા લોકોની સમસ્યા સમજી લઈને તેના નિરાકરણનો આદેશ આપ્યો હતો. લાતુરના હણમંત ગામને પાણી પુરવઠો કરનારી પાઈપલાઈનમાં કોઈએ ભંગાણ પાડ્યું હતું અને તેને તત્કાળ સમારકામ કરીને પાણી પુરવઠો સરળ કરવાનો આદેશ તેમણે વહીવટીતંત્રને આપ્યો હતો.

એકનાથ શિંદેએ મરાઠવાડા અને વિદર્ભના શિવસેનાના પદાધિકારીઓને આગામી વિધાનસભાની ચૂંટણીને યાનમાં રાખીને દુકાળની સ્થિતિમાં લોકોને મદદ કરવા માટે સક્રિય થવાનો આદેશ આપ્યો હતો.

મુંબઈ મેટ્રોપોલિટન વિસ્તારમાં આવતી ૬૫ બેઠકોમાંથી મહત્તમ બેઠકો જીતવા માટે દરેક વિધાનસભા ક્ષેત્રનું સર્વેક્ષણ કરવાની સૂચના એકનાથ શિંદેએ આપી દીધી છે. મહાયુતિના ક્યા પક્ષનું ક્યા વિધાનસભા ક્ષેત્રમાં કેટલું વજન છે તેનું આકલન કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.

અહીં ઉલ્લેખનીય છે કે, એકનાથ શિંદેની અપેક્ષા મુજબ તેમના ૧૫ ઉમેદવારમાંથી ૧૩ જીતે અથવા તો ૧૦ ઉમેદવાર પણ લોક્સભાની ચૂંટણી જીતશે તો વિધાનસભાની ચૂંટણીમાં તેમને ઝૂક્તું માપ મળવાની શક્યતા છે અને વિધાનસભાની ચૂંટણીમાં જેટલી બેઠકો વધુ મળશે એટલું આગામી મુખ્ય પ્રધાન બનવાના તેમના ચાન્સીસ વધી જશે. આમાં મુંબઈ મેટ્રોપોલિટન રિજનની ૬૫ બેઠક સૌથી વધુ મહત્ત્વની માનવામાં આવે છે.