
સાચું તો એ છે કે શિક્ષણ ક્ષેત્રમાં અનેક પ્રકારના ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓ ચાલે છેે. આ પરિસ્થિતિ સુધારવાના પ્રયત્નો તો થાય છે, પણ પરિણામો ઉત્તરોત્તર વરવાં જ હાથ લાગે છે. પ્રાથમિક શિક્ષણથી જ અમુક પ્રકારની ઉપેક્ષા શરૃ થઈ જાય છે. પાયામાંથી જ બધી જ કરક્સર શિક્ષણમાં થાય છે. સ્કૂલ છે, પણ પૂરતા વર્ગો નથી, છે તે બિસ્માર હાલતમાં છે. પૂરતા શિક્ષકો નથી. ઉત્સવનું ઉજવણું થાય છે, વાલીઓ બાળકોને સ્કૂલે મોકલીને નચિંત થઈ જાય છે, પણ તે સ્કૂલમાં ભણે છે કે શિક્ષક વગર અટવાતું રહે છે એની કાળજી લેવાતી નથી. સહ અભ્યાસ પ્રવૃત્તિઓ જરૃરી છે, પણ તેનો અતિરેક તે શિક્ષણ નથી એ દરેકએ સમજી લેવાનું રહે.
ભારત દેશ અનેક ક્ષેત્રમાં વિકાસ કરી રહ્યો છે તે પૈકી શિક્ષણના ક્ષેત્રમાં જેટલા આડંબર, અહંકાર અને અજ્ઞાાન છે એટલાં બીજા કોઈ ક્ષેત્રમાં અત્યારે દેખાતા નથી. પ્રાથમિકથી લઈને યુનિવસટી સુધી શિક્ષણની ડિગ્રી લઈને વિદ્યાર્થીઓ બહાર પડે છે, પણ સ્થિતિ એવી બનતી જાય છે કે શિક્ષિત કે અશિક્ષિત વચ્ચે કોઈ અંતર જ ન દેખાય.
શિક્ષણ વિભાગ કોઈ કડક અને કાયમી આદેશ કરતું નથી એ ચોકાવનારી વાત છે.નીટ જેવી જ જાહેર પરીક્ષા યુપીએસસીની થાય છે. એમાં ગેરરીતિ રોકવા નવી ટેકનિકોને કામે લગાડવાની વાત છે. ટ્રેઈની પૂજા ખેડકર વિવાદ અને નીટમાં થયેલી બબાલ વચ્ચે યુનિયન પબ્લિક સવસ કમિશને પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવાનું નક્કી કર્યું છે. ડમી ઉમેદવારને પકડવા આધાર કાર્ડ ફિંગરપ્રિન્ટ વેરિફિકેશન કરવામાં આવશે. યુપીએસસી ૨૪ પરીક્ષાઓનું આયોજન કરે છે અને આશરે ૨૬ લાખ ઉમેદવારો એ પરીક્ષા આપે છે. એમને આ નવી પદ્ધતિથી ચકાસવાનું કેટલું શક્ય છે એ નથી ખબર, પણ યુપીએસસીના ઉમેદવારો ઉચ્ચ કક્ષાએ પહોંચવા આ પરીક્ષા આપે છે, એમને કોઈ એથિક્સ જ નહીં નડતું હોય કે આટલે પહોંચ્યા પછી ડમી ઉમેદવાર બેસાડવો પડે કે પરીક્ષામાં નકલ કરવી પડે કે અન્ય કોઈ ગેરરીતિઓ કરવી પડે?
ઉત્તરપ્રદેશ સેવા આયોગે નકલ કરાવનારને અને નકલ કરનારને એક કરોડ રૃપિયા સુધીનો દંડ અને અથવા આજીવન કારાવાસની સજા ફરમાવવાનું નક્કી કર્યું છે. જેમાં વધારે શરમજનક તો એ છે કે શુદ્ધ નિષ્ઠાથી ને પવિત્રતા જાળવીને પરીક્ષા આપનારે પણ પોતાના કોઈ વાંકગુના વગર જુદી જુદી પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડે છે.