શિક્ષણમંત્રીના અધ્યક્ષસ્થાને ગોધરા ખાતે પંચમહાલ અને મહિસાગર જીલ્લાના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ યોજાયો

ગોધરા, ગુજરાતના શિક્ષણમંત્રી કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષસ્થાને ગોધરા બી.આર.જી.એફ ભવન ખાતે પંચમહાલ અને મહિસાગર જીલ્લાના અંદાજે 60 જેટલા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય,ગણેશ વંદના અને પ્રાર્થના થકી કરાઈ હતી.

આ પ્રસંગે શિક્ષણમંત્રીએ પોતાના ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે, આજે રાજ્યમાં પંચમહાલ અને મહિસાગર જીલ્લાના વિદ્યાર્થીઓ રેન્કમા આવીને પોતાની પ્રતિભાશાળી કારકિર્દી બનાવી રહ્યા છે. જ્યારે કોઈ વિદ્યાર્થી ભણવામાં તેજસ્વી હોય અને રેન્કમાં આવે ત્યારે તેનું સન્માન અવશ્ય થવું જોઈએ. આ તકે શિક્ષણમંત્રી અને ઉપસ્થિત વિવિધ મહાનુભાવોના હસ્તે વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ અને મેડલ આપીને સન્માનિત કરાયા હતા.

કાર્યક્રમમાં ઉપસ્થિત ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રતાપસિંહ ચૌહાણે જણાવ્યું કે, આજના વાલીઓને બાળકની પ્રતિભાને ઓળખવાની જરૂર છે.ચારિત્ર્ય નિર્માણ થી દેશ નિર્માણ તરફ વિદ્યાર્થીઓને આગળ લઇ જવા સૌકોઈની જવાબદારી બને છે. સન્માન એ માનસ પટલ પર અસર કરતી ઘટના છે.

કાર્યક્રમમાં પંચમહાલ અને મહિસાગર જીલ્લાના ધોરણ 10,12 અને નીટની પરીક્ષામાં શ્રેષ્ઠ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓ, વાલીઓ, નિવાસી અધિક જીલ્લા કલેકટર એમ.ડી. ચુડાસમા, પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી, વાઇબ્રન્ટ વેવ એકેડમીના અનિલ પંડ્યા, દિવ્ય ભાસ્કર રિઝનલ હેડ સમીરભાઈ જાની, હેતલ મોદી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.