શિક્ષણ મંત્રીના ઘરની બહાર વિરોધ પ્રદર્શન, બોરીમાં લાવેલી નોટો હવામાં ફેંકી

યુજીસી નીટ પરીક્ષા રદ કરવાના વિરોધમાં વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઇએ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના ઘરની બહાર પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન તેમણે જોરથી નારા લગાવ્યા હતા. વિરોધીઓએ યુજીસી નીટ પરીક્ષામાં થયેલી ગેરરીતિઓની તપાસની પણ માંગ કરી હતી.જોકે પ્રદર્શન કરી રહેલા એનએસયુઆઇના આગેવાનો અને કાર્યકરોની પોલીસે અટકાયત કરી છે.

નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયાના સભ્યોએ તેના રાષ્ટ્રીય અયક્ષ વરુણ ચૌધરીની આગેવાની હેઠળ અને અન્ય વિદ્યાર્થીઓએ પ્રધાનના નિવાસસ્થાનની બહાર પ્રદર્શન કર્યું. નીટ અને એનઇટી પરીક્ષામાં થયેલા કથિત ગોટાળા સામે પોતાનો વિરોધ દર્શાવવા રૂ.૫૦૦ની નકલી નોટો હવામાં ફેંકવામાં આવી હતી. પ્રદર્શનકારીઓએ નેશનલ ટેસ્ટિંગ એજન્સી પર પ્રતિબંધ મૂકવા અને પેપર લીકની કથિત ઘટનાઓની તપાસની માંગ કરી હતી.

શિક્ષણ મંત્રાલયે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા લેવામાં આવતી યુજીસી નીટ પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી હતી. પરીક્ષા લેવાયાના એક દિવસ બાદ જ સરકારે પરીક્ષા રદ કરવાની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા હતા.એનટીએ દ્વારા આયોજિત નીટ મેડિકલ પ્રવેશ પરીક્ષા પણ પ્રશ્ર્ન હેઠળ છે અને હાલમાં સુપ્રીમ કોર્ટ દ્વારા તેની સમીક્ષા કરવામાં આવી રહી છે. હવે યુજીસી-નેટની પરીક્ષા રદ થવાના કારણે ગંભીર પ્રશ્ર્નો ઉભા થયા છે. નોંધનીય છે કે આ વખતે એનટીએએ ઓએમઆર શીટ પર ઑફલાઇન મોડમાં પરીક્ષા યોજી હતી. સમગ્ર દેશમાં ૩૧૭ કેન્દ્રો પર ૧૧.૨૧ લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જો કે પરીક્ષા રદ થતાં હવે સમગ્ર કવાયત ફરી હાથ ધરાશે.