નવીદિલ્હી,
દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે ભારતીય ક્રિકેટર શિખર ધવન પર પત્ની આયેશા મુખર્જીએ લગાવેલા માનહાનિના આરોપો પર સ્ટે લગાવી દીધો છે. કોર્ટે શિખર ધવનની વિખૂટા પડી ગયેલી પત્ની ઓસ્ટ્રેલિયન નાગરિક આયેશા મુખર્જીને આદેશ આપ્યો છે કે તે પ્રેસ અથવા સોશિયલ મીડિયામાં ક્રિકેટર પતિ વિરુદ્ધ કોઈ અપમાનજનક પોસ્ટ ન કરે અને ક્રિકેટરની છબીને કલંક્તિ કરતું કંઈપણ ન બોલે.
જણાવી દઈએ કે શિખર ધવને પોતે આયેશા મુખર્જી વિરુદ્ધ કોર્ટમાં અરજી દાખલ કરી છે, જેમાં તેની પત્ની પર તેની ક્રિકેટ કારકિર્દી બરબાદ કરવાની ધમકી આપવાનો આરોપ લગાવ્યો છે.
પટિયાલા કોર્ટના જસ્ટિસ હરીશ કુમારે આ મામલામાં ચુકાદો આપતા કહ્યું કે જો આયેશા મુખર્જીને શિખર ધવન વિરુદ્ધ ખરેખર ફરિયાદો છે તો તેઓ તેને સંબંધિત ઓથોરિટીની મદદ લેતા રોકી શકે નહીં. જસ્ટિસ કુમારે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે શિખર વિરુદ્ધની ફરિયાદને મિત્રો અને સંબંધીઓ સાથે શેર કરવાથી અને તે યોગ્ય સત્તાધિકારી પાસે જાય તે પહેલાં તેને સાર્વજનિક કરવાથી ચોક્કસપણે રોકી શકાય છે.
જસ્ટિસ કુમારે આદેશ આપતા કહ્યું કે આવા સંજોગોમાં આગળના આદેશો સુધી શિખર ધવન વિરુદ્ધ કોઈપણ ફરિયાદ અથવા વિવાદ ઉઠાવવા માટે સોશિયલ મીડિયા, પ્રેસ અથવા અન્ય કોઈ મંચ પર સહકર્મીઓ વચ્ચે કથિત બદનક્ષીભરી અને ગેરમાર્ગે દોરતી સામગ્રી ફેલાવવાથી તેમને પ્રતિબંધિત કરવામાં આવે છે.
ભારતીય ક્રિકેટર શિખર ધવન અને ઓસ્ટ્રેલિયન નાગરિક આયેશા મુખર્જીએ ૨૦૧૨માં લગ્ન કર્યા હતા. આ લગ્નથી બંનેને એક પુત્ર છે. ધવનનો પુત્ર હાલમાં માતા આયેશા મુખર્જી સાથે ઓસ્ટ્રેલિયામાં રહે છે.