શીખ રમખાણોમાં હિંદુ પરિવારે જીવ બચાવ્યો હતો, પિતાથી આજે પણ ડરે છે : તાપસી

મુંબઇ,

બોલિવૂડ એક્ટ્રેસ તાપસી પન્નુ શાહરુખ સ્ટાર ફિલ્મ ’ડંકી’માં જોવા મળશે. હાલમાં જ તાપસીએ એક મીડિયાને ઇન્ટરવ્યૂ આપ્યું હતું. જેમાં અનેક ખુલાસા કર્યા હતા. તાપસી પન્નૂએ જણાવ્યું હતું કે, ૧૯૮૪માં શીખ રમખાણો દરમિયાન પરિવાર સાથે થયેલા ખરાબ અનુભવ વિશે વાત કરી હતી. આ સાથે જ કહ્યું હતું કે, જ્યારે આ રમખાણો થયા ત્યારે જન્મ પણ થયો ન હતો. તો ડાયટિશિયન પાછળ ૧ લાખ રૂપિયાનો દર મહિને ખર્ચ કરે છે ત્યારે માતા-પિતા સાથે ઝઘડો થાય છે તે અંગે પણ વાત કરી હતી.

એક મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં તાપસીએ જણાવ્યું હતું કે, જ્યારે શીખ રમખાણો થયા ત્યારે મારા માતા-પિતાના લગ્ન થયા ન હતા. મારા પિતા દિલ્હીના શક્તિનગરમાં રહેતા હતા જ્યારે મારી માતા પૂર્વ દિલ્હીમાં રહેતી હતી. મારી માતાનો વિસ્તાર તો સુરક્ષિત હતો પરંતુ પિતા શક્તિનગર વિસ્તારમાં રહેતા હોય ત્યાં એક માત્ર જ શીખ પરિવાર હતો. તે મસયે બહુ જ ઓછા લોકો પાસે ગાડી હતી ત્યારે પિતાના ઘરની બહાર ગાડી ઉભી હતી. જ્યારે રમખાણકારોને ખબર પડી કે, અહીં એક શીખ પરિવાર રહે છે ત્યારે તે ઘરની નજીક આવી ગયાં હોય બહાર જવાનો કોઈ વિકલ્પ ન હતો.

પરિવારજનોએ ઘરની બધી જ લાઈટ બંધ કરી દીધી હતી. તે સમયે ત્યાં ત્રણ હિન્દૂ પરિવાર રહેતા હતા. આ પરિવારોએ કહી દીધુ કે, તે લોકો ભાગી ચુક્યા છે. આ બાદ રમખાણકારોને કઈ ન મળતા બહારની ઉભી રહેલી ગાડી સળગાવી દીધી હતી. આ રીતે મારા પરિવારનો બચાવ થયો હતો.વધુમાં તાપસીએ જણાવ્યું હતું કે, મારા પિતા બહુ જ કંજૂસ છે, આખી જિંદગી પૈસા બચાવ્યા બાદ પણ તે પોતાના પર પૈસા ખર્ચ નથી કરતા, આટલું જ નહીં જ્યારે તાપસી પોતાના પર પૈસા ખર્ચ કરે છે તો પણ નારાજ થઇ જાય છે.

તાપસીએ વધુમાં જણાવ્યું હતું કે, ’હું જલ્દી ઘરે જઈશ અને મને ખબર છે કે ડાયટિશિયન પર આટલો ખર્ચ કરવા બદલ પપ્પા મને ઠપકો તો જરૂર આપશે.’ તાપસીને પૂછવામાં આવ્યું કે તે તેના ડાયટિશિયન પર કેટલો ખર્ચ કરે છે. તેથી થોડી સેકન્ડો માટે ખચકાટ કર્યા પછી કહ્યું કે, ’લગભગ ૧ લાખ રૂપિયા પ્રતિ માસ.’

તાપસીએ જણાવ્યું હતું કે, હું જે ફિલ્મોમાં કામ કરી રહી છું અને હું મારા જીવનમાં ક્યાં છું. તે મુજબ મારું ડાયટ સતત બદલાતું રહે છે. દર ચાર-પાંચ વર્ષે મારું શરીર પણ બદલાઈ જાય છે.આ પ્રોફેશનમાં અમારા પૈકી મોટા ભાગના લોકોને ડાયટિશિયનની સલાહની જરૂર હોય છે, જે આપણને જણાવે છે કે, આપણા માટે કઈ વસ્તુ સારી છે. તે એ વાત પર આધાર રાખે છે કે, આપણે ક્યાં શહેરમાં અને ક્યાં દેશમાં છીએ. વાતાવરણ પણ ડાયટમાં એક મુખ્ય ભૂમિકા નિભાવે છે. તે સમયે ડાયટિશિયનની જરૂર પડે છે.

તાપસીએ જણાવ્યું કે તે તેની માતા માટે સબસ્ક્રિપ્શન પણ ખરીદ્યું છે. કારણ કે, તેમને મેટાબોલિઝમની સમસ્યા છે. તેઓએ કહ્યું હતું કે, ’હૉસ્પિટલમાં પાછળથી ખર્ચ શા માટે કરવો જોઈએ, જ્યારે તમે હવે ડાયટ પર ખર્ચ કરી શકો છો?’ જો કે મારા પિતાએ માતાનો ખર્ચ કરવાની ના પાડી, કારણ કે તેઓ માને છે કે ડાયેટિશિયન હોવું એ ફેન્સી વસ્તુ છે. આ બાદ તાપસીએ કહ્યું હતું કે, આ કોઈ ફેન્સી ખર્ચ નથી, આ એક જરૂર છે.