અમેરિકાના શિકાગોમાં ડેમોક્રેટિક નેશનલ કન્વેન્શન (ડીએનસી)ની શરૂઆત થઈ ગઈ છે. ૨૨ ઓગસ્ટ સુધી ચાલનાર આ સમિટમાં ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને ડેમોક્રેટિક પાર્ટી તરફથી પ્રમુખપદના સત્તાવાર રીતે ઉમેદવાર જાહેર કરાશે. જોકે આ સંમેલન હોબાળાની લપેટમાં આવી શકે છે.
ગાઝા યુદ્ધ વિરુદ્ધ દેખાવો કરવા ૪૦ હજાર પેલેસ્ટિનિયન સમર્થક ડીએનસી બહાર એકઠા થશે. શિકાગો પોલીસે સુરક્ષા વધારી દીધી છે અને ૨ લોકોની ધરપકડ પણ કરી છે. વાસ્તવમાં અમેરિકામાં સૌથી વધુ પેલેસ્ટિનિયન લોકોની વસ્તી છે. ઈલિનોઈસના બ્રિજવ્યુને લેટિન પેલેસ્ટાઈન કહેવામાં આવે છે. નોંધનીય છે કે આ પહેલાં ઓગસ્ટ ૧૯૬૮માં હુબર્ટ હમ્ફ્રેને શિકાગોમાં ડેમોક્રેટિક કન્વેન્શનમાં નોમિનેટ કરાયા હતા. પરંતુ, વિયેતનામ યુદ્ધમાં અમેરિકાની સંડોવણી સામે હિંસક દેખાવો થયા હતા. દેખાવકારો અને પોલીસ વચ્ચેની અથડામણે સમગ્ર દેશને હચમચાવી નાખ્યો હતો.
શિકાગો સંમેલનમાં કમલા હેરિસ, વોલ્ઝ અને પ્રમુખ બાઈડેન ભાષણ આપશે. આ સિવાય મંગળવારે બરાક ઓબામા, બુધવારે બિલ ક્લિન્ટન અને ગુરુવારે કમલા હેરિસનું ભાષણ થશે. તમે તેને ડીએનસી વેબસાઇટ અને યુટ્યૂબ પર જોઈ શકો છો.
કમલા હેરિસ પ્રમુખપદની રેસમાં સામેલ થયા બાદ તેમના પર વંશીય હુમલા વધી ગયા છે. દરમિયાન, સેન્ટર ફોર કાઉન્ટરિંગ ડિજિટલ હેટ (સીસીડીએચ) દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસ અનુસાર, ઈન્સ્ટાગ્રામે કમલા હેરિસ પર કરવામાં આવેલી ૯૨% અપમાનજનક ટિપ્પણીઓ સામે કોઈ પગલાં લીધાં નથી. જોકે અભદ્ર ટિપ્પણીઓ મળવી અને કાર્યવાહી ન થવી તે મામલે તેણી એકલાં નથી.
સીસીડીએચએ જાન્યુઆરી ૧થી જૂન ૭ વચ્ચે ૧૦ અમેરિકન મહિલા નેતાઓ દ્વારા કરવામાં આવેલી પોસ્ટ પરની ટિપ્પણીઓનું વિશ્લેષણ કર્યું. તેમાં ૫ ડેમોક્રેટ અને ૫ રિપબ્લિકન નેતા સામેલ હતા. લગભગ ૫.૬૦ લાખ કમેન્ટમાંથી એક હજાર વાંધાજનક ટિપ્પણીઓ નોંધાઈ હતી પરંતુ આમાંથી ૯૩% (૯૨૬) ટિપ્પણીઓ પર ઈન્સ્ટાગ્રામ દ્વારા કોઈ કાર્યવાહી કરાઈ નથી.