શિહોદ પાસે બંધ પડેલી ટ્રક સાથે ધડાકાભેર બાઈક ટક્કરાઈ, બાઈક સવાર બે યુવાનોના ઘટનાસ્થળે મોત

છોટાઉદેપુર,

પાવી જેતપુરમાં શિહોદ પાસે બગડેલી ટ્રક સાથે બાઈક અથડાતાં બાઈક સવાર યુવાનોના ઘટનાસ્થળે મોત થયા છે. મોટી રાસલીના કિરણ ભિમસિંગ રાઠવા પલ્સર બાઈક લઈને પોતાના ઠલકી ગામના મિત્ર હિતેશ રાઠવા સાથે બોડેલી ખરીદી અર્થે ગયા હતા. ત્યાંથી ખરીદી કરીને પરત આવતી વખતે લગભગ રાત્રીના ૯ વાગ્યાના અરસામાં મોડી સાંજથી જ શિહોદ રેતીની લીઝના વળાંક પાસે રસ્તાની વચ્ચોવચ બગડીને પડેલી ટ્રક સાથે ધડાકા ભેર અથડાયા હતા.

ટ્રક સાથે બાઈક ધડાકાભેર ભટકાતાં બાઈક સવાર બન્ને યુવકો ગંભીર રીતે ઘાયલ થતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા. મહત્વની વાત એ છે કે સાંજના સમયથી ટ્રક રસ્તાની વચ્ચોવચ બગડીને પડી હતી. તેમ છતાં ટ્રકને ત્રણ કલાક સુધી હટાવી ન હતી. અને બાઈક સવાર યુવાનાઓની ભોગ બનતા બન્નેના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા.