- કડાણા તાલુકાના આંટલવાડા ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચતા ગ્રામજનોને વિવિધ યોજનાના લાભોનું વિતરણ કરાયુ.
- આપણે એક ભારત, શ્રેષ્ઠ ભારતનો સંકલ્પ લઈ દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપવુ જોઈએ મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોર.
- “મેરી કહાની, મેરી ઝુબાની” થીમ હેઠળ લાભાર્થીઓએ યોજનાકીય લાભોના પ્રતિભાવો રજૂ કર્યા.
મહીસાગર, કેન્દ્ર રાજ્ય સરકારની જન કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના લોકોને મળે તેમજ લોકોને આ યોજનાઓની જાણકારી મળી રહે તેવા આશય સાથે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” ગામેગામ ફરી રહી છે. જે અંતર્ગત મહીસાગર જીલ્લાના કડાણા તાલુકાના આંટલવાડા ગામે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” આવી પહોંચતા આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. રથનું કુમકુમ તિલક અને નાળિયેર વધેરીને ઉમેળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોરએ ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓના લાભ લેવા જણાવી કહ્યું કે, સરકાર પ્રજાના આંગણે આવી લાભ આપી રહી છે. આઝાદીના લડવૈયા ભગવાન બિરસા મુંડાના જન્મસ્થળથી નીકળેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા આપણાં દ્વાર સુધી પહોચી છે. ગામે ગામે આ સફરમાં દરેક ગામમાં મિશન મોડમાં જઈ અને પ્રત્યેક ગરીબ અને વંચિત વ્યક્તિને સરકારની દરેક જનકલ્યાણકારી યોજનાઓથી લાભાન્વિત કરવામાં આવી રહ્યા છે. વિકસિત ભારત યાત્રા યોજનાકીય લાભોથી વંચિત રહેલા નાગરિકોને લાભાન્વિત કરવાનું માધ્યમ બની છે. આયુષ્માન કાર્ડ થકી 10 લાખ સુધીની કેશલેસ આરોગ્ય સારવાર સુવિધા ઉપલબ્ધ કરાવી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ આપી લોકોના જીવન ધોરણને સુધારવામાં આ સંકલ્પ યાત્રા મહત્વની બની રહશે. વધુમાં મંત્રીએ દરેક લોકોમાં દેશભક્તિની ભાવના પ્રબળ બનાવવા પર ભાર મુકી સરકારની યોજનાનો લાભ લેવા આહવાન કર્યુ હતું.
આઝાદીના 100 વર્ષે 2047માં આપણો દેશ સંપૂર્ણ વિકસિત થઈ જશે એવા સંકલ્પ સાથે મંત્રીએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી માટે આ દેશની પ્રજા જ તેમનો પરિવાર છે. તેમણે પ્રજાના લોકકલ્યાણ અને જન સુખાકારી માટે નાની નાની દરેક યોજનાઓનું ધ્યાન રાખ્યું છે. ત્યારે આપણે એક ભારત, શ્રેષ્ઠ ભારતનો સંકલ્પ લઈ દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપવુ જોઈએ.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળનું આયુષ્માન કાર્ડ અને ઉજ્જવલા સહિતની યોજનાઓના લાભોનું વિતરણ અને તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. લાભાર્થીઓએ “મેરી કહાની, મેરી જુબાની” થીમ હેઠળ પોતાને મળેલા યોજનાકીય લાભો વિશેના પ્રતિભાવો રજૂ કર્યા હતા. સૌ ગ્રામજનોએ ભારતને વર્ષ 2047 સુધી આત્મનિર્ભર અને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સપનાંને સાકાર કરવા અંગે શપથ લીધા હતા.
આ પ્રસંગે જીલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ, જીલ્લા કલેકટર ભાવિન પંડ્યા, જીલ્લા વિકાસ અધિકારી ચંદ્રકાંત પટેલ, પૂર્વ જીલ્લા પંચાયત પ્રમુખ રમીલાબેન ડામોર, તાલુકા પંચાયત પ્રમુખ મંગુબેન, અગ્રણી અંબાલાલ પટેલ,જીલ્લા ખેતીવાડી અધિકારી, પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિત મોટી સંખ્યામાં ખેડૂતો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.