શેરબજારમાં નિફટી 12000 કુદાવીને પાછો પડયો: નવા બે લીસ્ટીંગ; મઝગાંવમાં ઈન્વેસ્ટરોને કમાણી, યુટીઆઈમાં ખોટ

મુંબઈ શેરબજારમાં આજે જબરી ઉથલપાથલ હતી. સરકારના સ્ટીમ્યુલસ પેકેજ તથા વૈશ્ર્વિક તેજી પાછળ બપોર સુધી જોરદાર તેજી બાદ આંશિક પીછેહઠ હતી. નિફટી 12000ને વટાવી ગયા બાદ પાછો પડયો હતો.

શેરબજારમાં આજે શરુઆત તેજીના ટોને જ થઈ હતી. નાણાં સંસ્થાઓની ધૂમ લેવાલી હતી. વિશ્ર્વબજારોની તેજીની સારી અસર હતી. કોરોના ધીમો પડતો રહ્યો છે ત્યારે આર્થિક રિકવરી ઝડપી બની શકવાના આશાવાદની પ્રોત્સાહક અસર હતી. વેપારધંધામાં પ્રાણ પુરવા માટે કેન્દ્ર સરકારે સ્ટીમ્યુલસ પેકેજ જાહેર કરતા સારી અસર હતી. આ કદમથી તહેવારોમાં ખર્ચ વધવાના સંજોગોમાં અર્થતંત્રમાં નવો ધબકાર ઉભો કરવામાં મદદ મળવાનો આશાવાદ વ્યક્ત થતો હતો. જો કે, અંતિમ તબકકામાં નફારૂપી વેચવાલીથી ઈન્ટ્રા-ડે ઉંચાઈ ટકી શકી ન હતી અને લગભગ તમામ શેરો નોંધપાત્ર પ્રમાણમાં પાછા પડયા હતા. ઉથલપાથલભર્યા માહોલ વચ્ચે રીલાયન્સ, સન ફાર્મા, ટાટા સ્ટીલ, ટીસીએસ, બજાજ ફાઈનાન્સ, એચસીએલ ટેકનો, ઈન્ફોસીસ, મારૂતી આઈટીસી સીપ્લા, વીપ્રો જેવા શેરો ઉંચકાયા હતા. બજાજ ઓટો, ભારતી એરટેલ, ઈન્ડુસઈન્ડ બેંક, કોટક બેક, નેસ્લે, ગેઈલ, જેએસડબલ્યુ સ્ટીલ, આઈશર મોટર્સ નબળા હતા. વેદાંતામાં 20 ટકાનું ગાબડું હતું.

મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 91 પોઈન્ટના ઉછાળાથી 40600 હતો જે ઉંચામાં 40905 તથા નીચામાં 40387 હતો. નિફટી ઈન્ટ્રા-ડે 12000 કુદાવી ગયો હતો જે પછી પાછો પડીને 18 પોઈન્ટના સુધારાથી 11932 હતો. દરમ્યાન શેરબજારમાં આજે નવી બે કંપનીઓના લીસ્ટીંગ થયા હતા. મઝગાંવ ડોક 48 ટકા પ્રીમીયમથી ખુલ્યા બાદ પટકાયો હતો. 145ના ભાવે ઈન્વેસ્ટરોને શેર અપાયા હતા તે 214.90 ખુલ્યા બાદ 171.95 હતો. યુટીઆઈ એએમસી 554 રૂપિયાના ભાવે આપવામાં આવ્યો હતો તેનું 500 રૂપિયાના નીચા ભાવે લીસ્ટીંગ થયા બાદ વધુ તૂટીને 480 હતો.