બજાર ખુલતા સમયે ૪૪૧ પોઇન્ટ વધેલો સેન્સેક્સ ૧૦૦૦ આંક ગગડી જતા રોકાણકારોના શ્ર્વાસ અધ્ધર: સરહદે તણાવના કારણે રોકાણકારોના ૨ લાખ કરોડ ધોવાઈ ગયા
લદાખમાંના પેંગોંગ નજીક ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે અથડામણની અસર શેરબજારમાં જોવા મળી હતી. વધતા સરહદ વિવાદને કારણે ફરી એકવાર શેરબજાર ઉચ્ચ સ્તરથી ઝડપથી નીચે આવી ગયું હતું. આજે બજાર ખુલ્યા બાદ ૫૦૦ પોઇન્ટ ઉપર ગયું હતું, પરંતુ ત્યાર બાદ સેન્સેક્સ ૧૦૦૦ પોઇન્ટ સુધી તૂટી ગયો હતો, જ્યારે નિફ્ટી લગભગ ૩૦૦ પોઇન્ટ લપસી ગયો હતો. આજે સવારે માર્કેટમાં પ્રોફિટ બુકિંગનું વર્ચસ્વ રહ્યું હતું. હેવીવેઇટ શેરો આઈસીઆઈસીઆઈ બેંક, એસબીઆઈ, મારૂતિ, એચડીએફસી, એચયુએલ તૂટી ગયા હતા. વધતા બજારના ઘટાડાને કારણે રોકાણકારોને ૨ લાખ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે.
આ અગાઉ જીડીપીના આંકડા પહેલા શેર બજારમાં જોરદાર તેજી જોવા મળી હતી. સેન્સેક્સે ૫૦૦ પોઇન્ટથી વધુનો ઉછાળો નોંધ્યો હતો. તે જ સમયે, નિફ્ટીમાં પણ ૧૩૦ થી વધુ પોઇન્ટનો સુધારો થયો હતો. આજે પણ બજારમાં ભારે અફરાતફરી જોવા મળી હતી. લગભગ ૧૫૦૦ પોઈન્ટનો કારોબાર થયો હતો.
બોમ્બે સ્ટોક એક્સચેંજ સેન્સેક્સ ૪૨૧ અંકના વધારા સાથે સવારે ૩૯,૮૮૮.૧૫ પર શરૂ થયો. પરંતુ સરહદ પર તણાવના અહેવાલો આવતાની સાથે જ સેન્સેક્સ ઘટવા લાગ્યો. ૨:૫૫ વાગ્યા સુધીમાં સેન્સેક્સ ૧૦૦૦ પોઇન્ટ ઘટીને ૩૮,૫૦૦ નજીક રહ્યો હતો. એ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેંજ સવારે ૧૧,૭૭૭.૫૫ પર ૧૩૦ પોઇન્ટ ખોલ્યો. પરંતુ દિવસ દરમિયાન તે ૩૦૦ ઘટી ગયો હતો.