- મામલતદારે તપાસ કરી ચોખાનો જથ્થો ગોડાઉનમા પરત મોકલાયો
- પુરવઠા અધિકારીએ પ્લાસ્ટીક ચોખાની વાત નકારી ફોર્ટીફાઈડ ચોખા હોવાનું જણાવ્યું
- તંત્ર દ્વારા ચોખા પોષણ યુકત હોવાનું રટણ ચલાવ્યું.
શહેરા,
પંચમહાલ જિલ્લાના શહેરા નગરમાં આવેલ ત્રણ નંબરની સસ્તા અનાજની દુકાનમાંથી આપવામાં આવેલ સરકારી ચોખાના જથ્થામાંથી પલાસ્ટીકના ચોખા નિકળ્યા હોવાની કાર્ડધારક દ્વારા ફરિયાદ કરવામાં આવતા શહેરા મામલતદાર દ્વારા આ દુકાન ખાતે રાખવામાં આવેલ તમામ ચોખાના જથ્થાને સરકારી ગોડાઉન ખાતે પરત મોકલી આપ્યો હતો. તો બીજી તરફ સમગ્ર મામલે જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા પ્લાસ્ટીકના ચોખા હોવાની વાતને નકારીને સરકાર દ્વારા આપવામાં આવતો ફોર્ટીફાઇડ ચોખાના દાણા હોવાનું જણાવ્યું હતું.
શહેરા ખાતે આવેલ શહેરા અર્થક્ષમ સેવા સહકારી મંડળીની શાખા ૩ પરથી કાર્ડ ધારકને સરકાર દ્વારા આપવામાં આવતા જાહેર વિતરણનો અનાજનો જથ્થો આપવામાં આવ્યો હતો. આપવામાં આવેલા ચોખાના જથ્થામાં પ્લાસ્ટિકના ચોખા હોવાની ફરિયાદ કાર્ડધારક દ્વારા મામલતદારને કરવામાં આવી હતી. તો બીજી તરફ શહેરા મામલતદારને આજ પ્રકારની ખાનગી રાહે બાતમી પણ મળી હતી. જે આધારે મામલતદાર દ્વારા આ સસ્તા અનાજની દુકાન પર રાખવામાં આવેલ ચોખાનો ૭૦૦ કિલો ઉપરાંતનો જથ્થો પરત સરકારી ગોડાઉન ખાતે મોકલી આપવામાં આવ્યો હતો. સમગ્ર મામલાની તપાસ પુરવઠા નિગમ તેમજ જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી હતી. જિલ્લા પુરવઠા નિગમની ટીમ દ્વારા શહેરા સરકારી ગોડાઉન ખાતે ચોખાના સેમ્પલ મેળવીને તપાસ હાથ ધરવામાં આવી હતી તો બીજી તરફ સરકારી ગોડાઉન ખાતે આવેલા જિલ્લા પુરવઠા અધિકારીએ ખુલાસો કર્યો હતો કે, પ્લાસ્ટિકના ચોખા મળી આવવામાં આવ્યા હોવાની વાત પ્રાથમિક તપાસમાં તથ્ય વિહોણી છે. ચોખાના જથ્થામાંથી મળી આવેલા અલગ રંગના ચોખાના દાણા સરકાર દ્વારા ચોખાને ફોર્ટિફાઇડ કરીને ઉમેરવામાં આવતા હોય છે , ચોખાને વધુ પોષણક્ષમ બનાવવા માટે સરકાર દ્વારા અલગથી બનાવડાવીને ૫૦ કિલોની ૫બેગમાં ૫૦૦ ગ્રામ ફોર્ટીફાઇડ ચોખા ઉમેરવામાં આવે છે. તેમ છતાં ગાંધીનગર ખાતેથી તપાસ ટીમ શુક્રવારના રોજ શહેરા ખાતે આવી આ ચોખાના જથ્થાની તપાસ કરનાર છે. હાલ તો સસ્તા અનાજની દુકાનના રેશનકાર્ડ ધારકોએ પ્લાસ્ટિકના ચોખા હોવાનો હોબાળો કરેલ તે ચોખાનો જથ્થો પોષણ યુક્ત ચોખા હોવાનુ તંત્ર રટણ કરી રહયું છે. શહેરાની સસ્તા અનાજની દુકાનમાં પ્લાસ્ટિકના ચોખાના જથ્થાને લઈને રેશનકાર્ડ ધારક એ મામલતદારને ફરિયાદ કરતા પુરવઠા વિભાગ દ્વારા આ મામલે ઝીણવટભરી તપાસના દોર શ કરવામાં આવ્યા હતા. આ ચોખા પ્લાસ્ટિકના નહી પણ પોષણ યુક્ત ચોખા સસ્તા અનાજની દુકાનમાં ફાળવવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું.
શહેરાની સસ્તા અનાજની દુકાનમાં મળી આવેલ ચોખા ગુજરાત રાજ્યમાં ગોધરા તાલુકાના ભામૈયા અને આણંદમાં બનતા હોવાનું પુરવઠા વિભાગ માંથી જાણવા મળી રહ્યું હતું. ખાસ કરીને આ ચોખાનો જથ્થો પુરવઠા વિભાગ માંથી મધ્યાહન ભોજન યોજનામાં ફાળવામાં આવતો હોય છે. પણ આ વખતે શું ભૂલથી સસ્તા અનાજની દુકાનના રેશનકાર્ડ ધારકોને ફાળવવામાં આવ્યો કે શું ? ગાંધીનગરની ટીમ આજે આ મામલે ઝીણવટ ભરી તપાસ કરવા માટે આવનાર છે. ત્યારે તપાસ કર્યા પછી જ ખરી હકીકત જાણી શકાશે તેમ છે. સરકારી ચોખાના જથ્થામાંથી અલગ રંગના ચોખાના દાણા સરકાર દ્વારા ચોખાને ફોર્ટીફાઈડ કરીને ઉમેરવામાં આવે છે. ૫૦ કિલોની બેગમાં ૫૦૦ ગ્રામ ફોર્ટીફાઈડ ચોખા ઉમેરાય છે. શહેરા અર્થક્ષમ સેવા સહકારી મંડળીની શાખા-૩ ઉપર રેશનકાર્ડ ઉપર આપવામાં આવેલ ચોખાના જથ્થામાં પ્લાસ્ટીકના ચોખાની ફરિયાદ મામલતદારને કરવામાં આવી હતી. મામલતદાર દ્વારા ૭૦૦ કિલો ઉપરાંતનો ચોખાનો જથ્થો પરત સરકારી ગોડાઉનમાં મોકલી આપ્યો.