
મુંબઇ,
અદાણી ગ્રુપે પોતાની લેગશીપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝના ૨૦,૦૦૦ કરોડ રૂપિયાના ફોલો ઓન પબ્લિક ઓફર (એફપીઓ)ને બુધવારે પાછો ખેંચ્યો હતો. ત્યારબાદ ગૌતમ અદાણીએ હવે પોતે જ સામે આવીને રોકાણકારોને સમજાવ્યું છે અને એફપીઓને પાછો ખેંચવાનું કારણ પણ જણાવ્યું છે. ૨૦,૦૦૦ કરોડ રૂપિયા માટે આ એફપીઓ ૨૭ જાન્યુઆરીના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલ્યો હતો અને ૩૧ જાન્યુઆરીએ ફૂલ સબસ્ક્રાઈબ થઈને ક્લોઝ થયો હતો.
ગૌતમ અદાણીએ કહ્યું કે સંપૂર્ણ રીતે સબસ્ક્રાઈબ્ડ એફપીઓના મંગળવારે પાછા ખેંચવાના નિર્ણયે અનેક લોકોને ચોંકાવી દીધા હશે. પરંતુ કાલે બજારના ઉતાર ચડાવને જોતા બોર્ડે એ મહેસૂસ કર્યું કે એફપીઓ સાથે આગળ વધવું એ નૈતિક રીતે યોગ્ય નહીં રહે.
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ કહ્યું કે શેર બજારમાં હલચલ અને માર્કેટમાં ઉથલપાથલ જોતા કંપનીનો ઉદ્દેશ્ય પોતાના રોકાણકારોના હિતોની રક્ષા કરવાનું છે. આથી અમે એફપીઓથી પ્રાપ્ત રકમને પરત કરવા જઈ રહ્યા છીએ અને તે સંલગ્ન લેવડદેવડ ખતમ કરી રહ્યા છીએ.
ગૌતમ અદાણીએ કહ્યું કે મારા માટે રોકાણકારોનું હિત સર્વોપરિ છે. આથી રોકાણકારોને સંભવિત નુક્સાનથી બચાવવા માટે અમે એફપીઓ પાછો ખેંચ્યો છે. આ નિર્ણયનો અમારા હાલના પરિચાલનો અને ભવિષ્યનિ યોજનાઓ પર કોઈ પ્રભાવ પડશે નહીં.
ગૌતમ અદાણીએ કહ્યું કે એક ઉદ્યમી તરીકે ૪ દાયકાઓ કરતા વધુની મારી વિનમ્ર યાત્રામાં મને તમામ હિતધારકો ખાસ કરીને રોકાણકારો સમુદાયથી ભારે સમર્થન મળ્યું છે. મારા માટે એ સ્વીકારવું મહત્વપૂર્ણ છે કે મારા જીવનમાં મે જે કઈ પણ થોડું ઘણું મેળવ્યું છે તે તેમના વિશ્ર્વાસ અને ભરોસાના કારણે છે. હું મારી તમામ સફળતાઓનો શ્રેય તેમને જ આપું છું.