નવીદિલ્હી, કોંગ્રેસ સાંસદ જયરામ રમેશે પ્રેસ કોન્ફરન્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૌતમ અદાણી વચ્ચેના કથિત સંબંધો પર સવાલ ઉઠાવ્યા છે. જયરામ રમેશે આરોપ લગાવ્યો કે, ’૨૮ જાન્યુઆરીથી ૨૮ માર્ચ સુધી કોંગ્રેસ પાર્ટીએ અદાણીને લઈને પીએમ મોદીને ૧૦૦ પ્રશ્ર્નો પૂછ્યા અદાણીની શેલ કંપનીઓમાં ૨૦,૦૦૦ કરોડ રૂપિયાનો માલિક કોણ છે તેની અમને કોઈ જાણકારી નથી.’
તેમણે વધુમાં કહ્યું કે, ‘રાહુલ ગાંધીએ લોક્સભામાં આ મુદ્દાઓ પર વાત કરી અને તેમને લોક્સભામાંથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા. આ અદાણીનો મુદ્દો નથી, ‘મોદાણી’નો મુદ્દો છે. ખરો મુદ્દો પીએમ મોદી અને અદાણી વચ્ચેના સંબંધોનો છે. આરોપો લગાવતા પહેલા જયરામ રમેશે પ્રેસ કોન્ફરન્સની શરૂઆતમાં કહ્યું, ‘૯મી સમિટ ૨૦૧૪માં ઓસ્ટ્રેલિયામાં યોજાઈ હતી. ત્યારબાદ ભારતના વડા પ્રધાને જી ૨૦ સભ્યોને કહ્યું કે કાળાં નાણાં સામે, તેને એકત્રિત કરનારાઓ સામે, શેલ કંપનીઓ સામે અને ટેક્સ હેવન્સ (જે દેશોમાં ટેક્સ મુક્તિ છે) સામે બધાએ સાથે મળીને કામ કરવું જોઈએ, પરંતુ આગામી ૧૮મી જી ૨૦ સમિટ છે. આ સપ્તાહથી યોજાશે. આજે અમેરિકા, ઈંગ્લેન્ડ અને આપણા દેશના અખબારોમાં એવું બહાર આવ્યું છે કે વડા પ્રધાનના પ્રિય મિત્ર, મૂડીવાદી મિત્રએ શેલ કંપનીઓનો ઉપયોગ કર્યો છે, જેમાં સેબી (રેગ્યુલેટરી બોડી)ના તમામ નિયમોનો ભંગ કરવામાં આવ્યો છે.
આ વર્ષે ફેબ્રુઆરીમાં, રાહુલ ગાંધી ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના આભારના મત પર બોલી રહ્યા હતા. આ દરમિયાન તેમણે વડાપ્રધાન મોદી અને ઉદ્યોગપતિ ગૌતમ અદાણી વચ્ચેના કથિત સંબંધો પર સવાલ ઉઠાવ્યા હતા. તેણે કહ્યું, ‘ભારત જોડો યાત્રા દરમિયાન મેં દરેક જગ્યાએ અદાણીનું જ નામ સાંભળ્યું હતું.’ સંસદમાં પોતાના ભાષણ દરમિયાન રાહુલે એક તસવીર પણ દેખાડી હતી જેમાં વડાપ્રધાન મોદી અને ગૌતમ અદાણી સાથે જોવા મળ્યા હતા.