શહેરા તાલુકા પંચાયત કચેરીના સભ્ય અને વિધાન સભા બેઠકના કોંગ્રેસ પક્ષના સંભવિત ઉમેદવાર જે.બી. સોલંકીની પોલીસે પાસા ધારા હેઠળ અટકાયત


શહેરા,
શહેરા તાલુકા પંચાયત કચેરીના સભ્ય અને વિધાન સભા બેઠકના કોંગ્રેસ પક્ષના સંભવિત ઉમેદવાર જે.બી. સોલંકી ની પોલીસે પાસા ધારા હેઠળ અટકાયત કરી હતી. પોલીસ દ્વારા પાસાની કાર્યવાહી પૂર્ણ કરીને જશવંત સિંહ સોલંકી રાજકોટ જેલ મોકલી દેવામા આવનાર છે.

શહેરા તાલુકા પંચાયતના સદસ્ય જે.બી. સોલંકી કોંગ્રેસ પક્ષમાં હોવા સાથે રાજકીય ક્ષેત્રે નામના ધરાવતા અને લોક ચર્ચામાં વધુ રહેતા હોય છે. આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષમાંથી તેમને ટિકિટ મળે તેવી શક્યતાઓ હોવાથી વિધાનસભા મત વિસ્તારમાં જન સંપર્ક શરૂ કરી દીધો હતો. પોલીસ દ્વારા કલેકટર સમક્ષ જશવંતસિંહ સોલંકી સામે પાસા હેઠળ કાર્યવાહી થાય તે માટે દરખાસ્ત તૈયાર કરીને મોકલી આપવામાં આવતા જિલ્લા મેજિસ્ટ્રેટ સુજલ મયાત્રા એ પાસા દરખાસ્ત મંજૂર કરી હતી.જિલ્લા એલ.સી.બી. પોલીસને માહિતી મળી હતી કે જશવંતસિંહ સોલંકી અમદાવાદથી બાલાસિનોર આવી રહ્યા હોય જેથી પોલીસનો સ્ટાફ લાડવેલ ચોકડી પાસે ઉભો હતો તે દરમિયાન જે.બી. સોલંકી પોતાની કાર લઈને આવતા પોલીસે કારને ઊભી રાખીને જશવંતસિંહ સોલંકી ની પાસાધારા હેઠળ અટકાયત કરીને જિલ્લા એલ.સી.બી. કચેરી ખાતે લઈ જવામાં આવ્યા હતા. શહેરા પોલીસ દ્વારા પાસાની જરૂરી કાર્યવાહી પૂર્ણ કરીને જશવંતસિંહ સોલંકી ને મધ્યસ્થ જેલ રાજકોટ ખાતે લઈ જવામાં આવ્યો હતો. કોંગ્રેસ પક્ષ દ્વારા ટૂંકા દિવસોમાં જ વિધાનસભાના ઉમેદવારોની જાહેરાત કરવાના હોય જ્યારે જે.બી. સોલંકીને સારી કામગીરીને લઈને ટિકિટ મળવાની શક્યતા હોય તેવા સમયે જ પાસા ધારા હેઠળ કાર્યવાહી થતા રાજકીય ક્ષેત્રે ભારે ચર્ચાનો મુદ્દો બની જવા પામ્યો હતો.

બોક્સ…..
શહેરા વિધાનસભા 124 પર ચૂંટણી લડવા માટે કોંગ્રેસ પક્ષમાંથી જશવંતસિંહ બળવંતસિંહ સોલંકી દ્વારા ટિકિટ માગવામાં આવી હતી જોકે કોંગ્રેસ પક્ષ દ્વારા આવનાર દિવસોમાં ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવનાર હોય તેવા સમયે પોલીસ દ્વારા વિશ્વાસઘાત અને છેતરપિંડીની ત્રણ કરતાં વધુ ફરિયાદને લઈને જે.બી. સોલંકી ની પાસાની કાર્યવાહી કરવામાં આવી હોય ત્યારે અનેક સવાલો ઉપરોકત બાબતે રાજકીય ક્ષેત્રે ચર્ચાનો મુદ્દો બનવા પામ્યો હતો જોકે જશવંતસિંહ સોલંકી તાલુકા પંચાયત સદસ્ય પણ છે. 420 અને 406 ની કલમ હેઠળ નોંધાયેલા ગુનાની ફરિયાદના આધારે પોલીસે પાસા ની જરૂરી કાર્યવાહી કરીને જશવંતસિંહ સોલંકીને રાજકોટ ની જેલ ખાતે મોકલી આપવામાં આવશે.