- મોરબીની દુર્ઘટનામાંથી પણ શાસક પક્ષે કોઈ બોધપાઠ લીધો નથી.
રાજકોટ, રાજકોટ ગેમિંગ ઝોન દુર્ઘટનાના પગલે વિપક્ષના નેતાઓ રાજકોટ પહોંચ્યા હતા. ટીઆરપી ગેમિંગ ઝોન દુર્ઘટનાના પગલે વિપક્ષ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને વિપક્ષના નેતા અમિત ચાવડાએ સરકાર પર માછલા ધોયા હતા. અમિત ચાવડા, ગાયત્રીબા વાઘેલા, લલિત વસોયા, પરેશ ધાનાણી અને હિંમતસિંહ પટેલ સહિતના કોંગ્રેસના આગેવાનો રાજકોટના ગેમિંગ ઝોન ગયા હતા.
શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ભાજપ માટે પ્રજાનું જીવન ગેમ જ છે. મોરબીની દુર્ઘટનામાંથી પણ શાસક પક્ષે કોઈ બોધપાઠ લીધો નથી. આવી તો કેટલીય વસ્તુઓ છે જે સરકારમાં મંજૂરી વગર ચાલે છે અને દુર્ઘટનાની રાહ જોઈ રહી છે. તેમણે જણાવ્યું હતું કે બધી જ જગ્યાએ મંજૂરીઓ આપવામાં નીતિનિયમો નેવે મૂકી દેવાયા છે. ગુજરાતમાં તો કદાચ મંજૂરી સાથે કોઈપણ પ્રકારનો ગેમિંગ ઝોન અને બીજા સેન્ટરો ચાલતા નથી. બધી જ જગ્યાએ હોતા હે ચલતા હૈનું રાજ છે.
વિધાનસભામાં વિપક્ષના નેતા અમિત ચાવડાએ રાજકોટ ઘટનાને માનવ સર્જિત હોનારત ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે રાજકોટની ઘટનામાં ૩૩ લોકોના મોત થયા છે. તમામ લોકોમાં એક જ સૂર જોવા મળી રહ્યો છે કે આ કંઈ કુદરતી આપત્તિ ન હતી, બેદરકારીના લીધે સર્જાયેલી હોનારત છે.
આપના ગોપાલ ઇટાલિયાએ પણ સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે ભૂતકાળમાં પણ આ પ્રકારની ઘટનાઓમાં આરોપીઓની સજા થઈ હોવાનું જાણવા મળતું નથી. આ દુર્ઘટના પુરાવો છે કે રાજકોટનું તંત્ર કેટલું પાંગળું છે. આ દુર્ઘટનામાંથી પણ જો કોઈ બોધપાઠ લેવાયો નહીં તો આ પ્રકારની ઘટનાઓનું પુનરાવર્તન થતાં રોકી શકાશે નહીં. વાસ્તવમાં રાજકોટના સરકારી અધિકારીઓ જ આ ઘટનાના મુખ્ય આરોપી છે. જો તેઓએ સમયસર અને યોગ્ય પગલાં ભર્યા હોત તો આજે આ ૩૩ જિંદગી જીવતી હોત, કાળના ખપ્પરમાં હોમાઈ ગઈ ન હોત. કોઈપણ વિચારો કે નિયમોને નેવે મૂકીને આ પ્રકારે ગેમિંગ ઝોન ચાર વર્ષથી ચાલે છે અને કોઈ અધિકારી જાણતો પણ નથી, આ બધાને મૂરખ બનાવવાની વાત છે. એફઆઇઆરમાં મુખ્ય ગુનેગારોના નામ પણ જોવા મળતાં નથી.