શારીરિક રીતે અક્ષમ લોકોનું જીવનસ્તર ઊંચું લાવવા દિવ્યાંગ મંત્રાલય શરૂ થશે

દિવ્યાંગો દ્વારા સરકારની આ જાહેરાતને વધાવી લેવાઈ છે.

મુંબઈ,

રાજ્યના ૨.૫૦ કરોડ જેટલા શારીરિક ખોડખાંપણ ધરાવતા દિવ્યાંગજનો પણ સ્વમાનભેર પગભર થઈને સમાજમાં જીવી શકે અને તેમના માટેની સરકારી યોજનાઓ અને અનામત સહિતના લાભો મળી શકે એ માટે હવે રાજ્ય સરકારમાં સ્વતંત્ર એવા દિવ્યાંગ ખાતાની સ્થાપના કરવામાં આવી છે. દેશમાં આવું દિવ્યાંગો માટેનું મંત્રાલય પહેલી વાર કોઈ રાજ્યમાં સ્થપાઈ રહ્યું છે. આ મંત્રાલયની સત્તાવાર જાહેરાત ત્રીજી ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય અપંગ દિવસના દિવસે કરવામાં આવશે. દિવ્યાંગો દ્વારા સરકારની આ જાહેરાતને વધાવી લેવાઈ છે. વિધાનસભ્ય બચ્ચુ કડુ લાંબા સમયથી એ માટે માગ કરી રહ્યા હતા. ગઈ કાલે તેમણે આ ખુશખબરી મળતાં મંત્રાલયના ગેટ પર બધાને લાડુ વહેંચીને એની ઉજવણી કરી હતી.

અત્યાર સુધી દિવ્યાંગોની સમસ્યાનો સામાજિક ન્યાય વિભાગ દ્વારા ઉકેલ લવાતો હતો એ હવે દિવ્યાંગ મંત્રાલય હેઠળ આવરી લેવાશે. આ મંત્રાલય દ્વારા દરેક જિલ્લામાં દિવ્યાંગ ભવન અને પુનર્વસન કેન્દ્ર તૈયાર કરાશે. આ વિભાગમાં ૬૦૦ જેટલા કર્મચારીઓ કાર્યરત કરાશે અને તેમના પગાર સહિત ૪૮ કરોડ રૂપિયા ખર્ચાય એવી સંભાવના છે. દરેક દિવ્યાંગના ઘરે જઈ તેમનું રજિસ્ટ્રેશન કરાશે. દિવ્યાંગોને મળતી સુવિધાઓ તેમના એક જ કાર્ડ પર મળી શકે એવી ગોઠવણ કરાશે. સરકારી અને ખાનગી નોકરીઓની તેમના માટે રાખેલી અનામતમાં તેમની જ ભરતી કરાય એ બાબત પર ખાસ યાન આપવામાં આવશે. દરેક સ્ટુડન્ટ હૉસ્ટેલમાં ગ્રાઉન્ડ લોર દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે રાખવા?માં આવશે. દરેક જિલ્લામાં દિવ્યાંગો માટે ખાસ ઘરકુલ યોજના ચાલુ કરાશે.

વિધાનસભ્ય બચ્ચુ કડુએ આ સંદર્ભે કહ્યું હતું કે ‘અમે છેલ્લાં ૨૫-૩૦ વર્ષથી આ માટે માગ કરી રહ્યા હતા. બુધવારે પ્રધાનમંડળની બેઠકમાં આ સંદર્ભે નિર્ણય લેવાયો હતો. હવે આ મંત્રાલય હેઠળ દિવ્યાંગોને સ્વાધાર યોજના અને ગાડગેબાબા ઘરકુલ યોજનાનો લાભ મળી શકશે. આ ?ઉપરાંત ખાનગી ક્ષેત્રોમાં પણ તેમને રોજગાર અને નોકરી મળી રહે એ માટે પ્રયાસ કરવામાં આવશે. આવતા ૧૫ દિવસમાં એ મંત્રાલય સ્થપાઈ જશે. દિવ્યાંગો માટે મંત્રાલય સ્થાપવું આખા દેશ માટે મોટી વાત છે અને એ માટે હું મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનો આભારી છું.’