
- હેતુ ઈમરાનની પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફને સેનાનો દુશ્મન બનાવવાનો હતો.
ઇસ્લામાબાદ, પાકિસ્તાનમાં ૯ મેના રોજ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ અને ત્યારપછી સર્જાયેલી અશાંતિને લઈને ઉભું થયેલું રાજકીય તોફાન અટકવાનું નામ નથી લઈ રહ્યું. આ દરમિયાન, આર્મી ચીફ જનરલ અસીમ મુનીરને સુપરત કરાયેલા અહેવાલે શેહબાઝ શરીફની આગેવાનીવાળી સરકારની મુશ્કેલીઓ વધારી દીધી છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઈમરાનની ધરપકડ બાદ સરકારના ઈશારે કેટલાક સૈન્ય મથકો પર હુમલા કરવામાં આવ્યા હતા. અહેવાલમાં જણાવાયું છે કે ગૃહ મંત્રાલયના નિર્દેશો પર ઇન્ટેલિજન્સ બ્યુરો દ્વારા સરકાર તરફી સમર્થકોને સેનાની સંપત્તિમાં તોડફોડ કરવા અને નુક્સાન પહોંચાડવા માટે ઉશ્કેરવામાં આવ્યા હતા. આઇબી સરકાર હેઠળ આવે છે. આ રીતે ઉશ્કેરણીનો હેતુ ઈમરાનની પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ને સેનાનો દુશ્મન બનાવવાનો હતો. આ રિપોર્ટ મિલિટરી ઈન્ટેલિજન્સ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે.

એનર્જી સિક્યુરિટી સ્કોલર સઈદ આફ્રિદીનું કહેવું છે કે પીએમએલ એનના નેતા અને ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની ટીમ ઈમરાનને સત્તા પરથી હટાવવામાં આવ્યા ત્યારથી પીટીઆઈ અથવા ઈમરાન પર પ્રતિબંધ મૂકવાની તક શોધી રહી હતી. રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠકમાં નવાઝની ટીમે પીટીઆઈ પર પ્રતિબંધ મૂકવા અંગે સર્વસંમતિ સાધવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સરકારના સહયોગી પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના નેતા બિલાવલે તેનો વિરોધ કર્યો હતો.
નવાઝના નજીકના અને સરકારના બીજા સૌથી શક્તિશાળી મંત્રી એવા ગૃહમંત્રી રાણા સનાઉલ્લાહ ચૂંટણીની માંગણી માટે ઈમરાનને ઘણી વખત ધમકી આપી ચૂક્યા છે. એક ઈન્ટરવ્યુમાં રાણાએ તો ત્યાં સુધી કહ્યું હતું કે ઈમરાન દેશની રાજનીતિને એવા મુકામે લાવી દીધું છે જ્યાં આપણામાંથી એક જ હોઈ શકે. જો આપણા અસ્તિત્વની વાત આવે તો આપણે એવું કોઈ પગલું ભરવાનું ચૂકીશું નહીં, પછી ભલે તે લોકશાહી હોય કે ન હોય. સઈદના કહેવા પ્રમાણે, સુપ્રીમ કોર્ટે ૯ મેના રોજ ઈમરાનની ધરપકડને ગેરકાયદેસર જાહેર કરી તે પહેલા અને પછીની ઘટનાઓ પર નજર કરીએ તો ષડયંત્રના સ્તરો બહાર આવશે. વાસ્તવમાં ઈમરાનની લોકપ્રિયતા સતત વધી રહી હતી. તેઓ પંજાબ અને ખૈબર પખ્તુનખ્વામાં ચૂંટણી કરાવવા માટે સરકાર અને સંસ્થાન પર દબાણ કરી રહ્યા હતા. સરકાર અને લશ્કરી સંસ્થાએ ઈમરાનને રોકવા માટે તેમની ધરપકડ કરવાનો નિર્ણય લીધો.
આ દિશામાં સરકારની તાત્કાલિક પ્રથમ પ્રતિક્રિયા ખૂબ જ તીક્ષ્ણ હતી. પીટીઆઈ સાથે આતંકવાદી સંગઠન જેવું વર્તન કરવામાં આવ્યું હતું. તેમના સમર્થકોની મનસ્વી રીતે અને મોટી સંખ્યામાં ધરપકડ કરવામાં આવી હતી. તેમના પર લશ્કરી અદાલતોમાં કેસ ચાલી રહ્યો છે.વિશ્લેષકો કહે છે કે નવાઝ બદલો લેવાનો માણસ છે. તે સેનાની સાથે સાથે ઈમરાનને પણ નફરત કરે છે. ટીવી એક્ટર અને વિશ્લેષક વસીમ બદામીના કહેવા પ્રમાણે, નવાઝ માટે આદર્શ સ્થિતિ શક્તિશાળી સેના અને પીટીઆઈને સામસામે લાવવાની છે. વિશ્લેષક મોઈદ પીરઝાદા પણ કહે છે કે ૯ મેની ઘટનાઓ પરથી સ્પષ્ટ થાય છે કે પીટીઆઈને ખતમ કરવા અને સરકારના આદેશ મુજબ ચૂંટણી કરાવવા માટે સુનિશ્ર્ચિત યોજનાના ભાગરૂપે બધું જ કરવામાં આવ્યું હતું.