શરીફ સામાન્ય લોકોથી ડરે છે અને ચૂંટણીમાં છેડછાડ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, બિલાવલ

ઇસ્લામાબાદ, પાકિસ્તાનમાં ૮મી ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે. આ પહેલા ત્યાં શબ્દોનું યુદ્ધ તેજ થઈ ગયું છે. આ શબ્દયુદ્ધમાં રાજકારણીઓ એકબીજા પર આકરા પ્રહારો કરી રહ્યા છે. આ ક્રમમાં, પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના અયક્ષ બિલાવલ ભુટ્ટો ઝરદારીએ પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ(પીએમએલ એન)ના સુપ્રીમો નવાઝ શરીફ પર કટાક્ષ કર્યો અને કહ્યું કે તેઓ સામાન્ય લોકોથી ડરે છે.

મીરપુર ખાસમાં પાર્ટીની એક રેલીને સંબોધતા બિલાવલે આરોપ લગાવ્યો હતો કે નવાઝ શરીફ, જેઓ ચોથી વખત વડાપ્રધાન તરીકે ચૂંટણી લડી રહ્યા છે, તેઓ તેમની સાથે ચર્ચા કરવાનો ઇનકાર કરે છે. બિલાવલે પાર્ટીની રેલીમાં દાવો કર્યો કે, “તે સામાન્ય લોકોથી ડરે છે અને ચૂંટણીમાં છેડછાડ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે, જેમ કે ઈમરાન ખાને કર્યું હતું.”

પૂર્વ વડાપ્રધાન પર નિશાન સાધતા બિલાવલે કહ્યું કે પીએમએલ-એનએ સિંધમાં એક પણ રેલી યોજી નથી કારણ કે તેણે સરકારના કાર્યકાળ દરમિયાન રાજ્ય માટે કંઈ કર્યું નથી. હવે તેઓ જાણે છે કે જો તેઓ અહીં આવશે તો લોકો તેમને સંપૂર્ણપણે નકારી દેશે. તે સિંધના લોકોથી ડરે છે. બિલાવલે કહ્યું કે નવાઝ શરીફ મીરપુર ખાસની ચૂંટણીમાં ભારે ધાંધલધમાલ કરી રહ્યા છે.

તેમણે કહ્યું કે નવાઝ શરીફ રાયવિંગમાં બેસીને મીરપુર ખાસના પરિણામો નક્કી કરવા માંગે છે. બિલાવલે કહ્યું, “તેઓ મીરપુરખાના વોટ કેવી રીતે હડપ કરવા માટે કાવતરું ઘડી રહ્યા છે.” બિલાવલે કહ્યું કે પીએમએલ-એન પીપીપીના ઉમેદવારોને હરાવવાનો ઈરાદો ધરાવે છે અને રેલીમાં આવેલા લોકોને પૂછ્યું કે શું તેઓ તેને સ્વીકારશે?

રેલી દરમિયાન બિલાવલે કહ્યું કે અન્ય પાર્ટીઓ દેશના વિકાસ અને પ્રગતિમાં મદદ કરવાને બદલે નફરત અને ભાગલાની રાજનીતિ કરી રહી છે. બિલાવલે કહ્યું, “જો અમે રાજકારણમાં છીએ, તો તે એટલા માટે છે કારણ કે અમે તમને મદદ કરવા માંગીએ છીએ. જો અમે સ્પર્ધા કરી રહ્યા છીએ, તો તે ગરીબી, બેરોજગારી અને મોંઘવારી સામે છે, અન્ય કોઈ પક્ષની વિરુદ્ધ નથી.”