મુંબઇ, સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે ભારતીય શેરબજાર મામૂલી ઘટાડા સાથે બંધ થયું હતું.બીએસઇ સેન્સેક્સ ૭.૬૫ પોઈન્ટના નજીવા ઘટાડા સાથે ૭૫,૪૧૦.૩૯ પર બંધ રહ્યો હતો. તે જ સમયે,એનએસઇ નિફ્ટી ૧૦.૫૫ પોઈન્ટ ઘટીને ૨૨,૯૫૭.૧૦ પોઈન્ટ પર બંધ થયો હતો. આજે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો પરંતુ બેન્કના શેરમાં ઉછાળો નોંધાયો હતો. એચડીએફસી બેન્કનો શેર ૧.૬૦% વધીને રૂ. ૧૫૧૬.૫૦ પર બંધ થયો હતો.
તમને જણાવી દઈએ કે શરૂઆતના ટ્રેડિંગમાં સેન્સેક્સ અને નિફ્ટી તેમની નવી ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયા હતા. બીએસઈનો ૩૦ શેરવાળો સેન્સેક્સ શરૂઆતના કારોબારમાં ૧૬૪.૨૪ પોઈન્ટ વધીને ૭૫,૫૮૨.૨૮ની સર્વકાલીન ટોચે પહોંચ્યો હતો.એનએસઇ નિફ્ટી એ ૩૬.૪ પોઈન્ટના વધારા સાથે પ્રથમ વખત ૨૩,૦૦૦નો આંકડો પાર કર્યો હતો. તે ૨૩,૦૦૪.૦૫ પોઈન્ટની તેની ઓલ ટાઈમ હાઈ પર હતો.
સેન્સેક્સ કંપનીઓમાં બજાજ ફાઇનાન્સ, લાર્સન એન્ડ ટુબ્રો, ટાટા સ્ટીલ, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, એચડીએફસી બેન્ક અને ભારતી એરટેલના શેર સૌથી વધુ નફાકારક હતા. વૈશ્વિક તેલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ ૦.૦૫ ટકા વધીને યુએસ ડોલર ૮૧.૪૦ પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યા હતા. શેરબજારના ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારો મૂડીબજારમાં ખરીદદાર રહ્યા હતા અને તેમણે રૂ. ૪,૬૭૦.૯૫ કરોડના શેરની ખરીદી કરી હતી.