મુંબઇ, મુંબઈ શેરબજારમાં કેટલાંક વખતથી એકધારી તેજી બાદ મંદીનો નવો દોર શરૂ થયો હોય તેમ આજે સતત બીજા દિવસે મંદીનો આંચકો અનુભવાયો હતો અને સેન્સેક્સ ૨૮૦ પોઈન્ટ ગગડયો હતો. શેરબજાર આજે શરૂઆત સ્થિર ટોને થયા બાદ હેવીવેઈટ શેરોમાં લેવાલીની હુંફે ગ્રીનઝોનમાં રહ્યું હતું પરંતુ ઉંચા મથાળે આક્રમક નફારૂપી વેચવાલીથી માર્કેટ પટકાવા લાગ્યુ હતું અને રેડઝોનમાં સરકી ગયુ હતું.
વિદેશી નાણાં સંસ્થાઓની ચિકકાર લેવાલી, સારૂ ચોમાસા જેવા પોઝીટીવ કારણો પર નફો બાંધવાની વૃતિ ભારે પડી હતી. શેરબજારમાં આજે આઈટીસીમાં ગાબડુ પડયુ હતું.કંપનીએ ટોટલ બિઝનેશને ડીમર્જ કરવાને સૈદ્ધાંતિક મંજુરી આપવા છતા ભાવ તૂટયો હતો.
આ સિવાય હિન્દ લીવર, આઈસીઆઈસીઆઈ બેંક, જેએસડબલ્યુ સ્ટીલ, નેસલે, મારૂતી, રીલાયન્સ, કોટક બેંક વગેરેમાં ઘટાડો હતો. એશીયન પેઈન્ટસ બજાજ ફીન સર્વીસ, ભારતી એરોલ, ઈન્ડુસઈન્ડ બેંક, ઈન્ફોસીસ, લાર્સન, મહિન્દ્ર , પાવરગ્રીડ, ટીસીએસ, સ્ટેટ બેંક, ડો.રેડ્ડી, વગેરેમાં સુધારો હતો. મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેક્સ ૨૮૨ પોઈન્ટના ગાબડાથી ૬૬૪૦૧ હતો તે ઉંચામાં ૬૬૮૦૮ હતો. નીચામાં ૬૬૩૯૩ હતો.નેશનલ સ્ટોક એક્સચેંજનો નીફટી ૬૫ પોઈન્ટના ઘટાડાથી ૧૯૬૭૯ હતો તે ઉંચામાં ૧૯૭૮૨ તથા નીચામાં ૧૯૬૭૦ હતો.