
સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે શેરબજાર લાલ નિશાનમાં બંધ થયું હતું. બજારમાં આ ઘટાડો બેન્કિંગ અને ટાટા ગ્રૂપના શેરના વેચાણને કારણે થયો હતો. સોમવારે ભારત અને યુએસ તરફથી ફુગાવાના આંકડા જાહેર થતાં રોકાણકારો ચિંતિત દેખાયા હતા. સોમવારે સેન્સેક્સ ૬૧૭ પોઈન્ટ અથવા ૦.૮૩%ના ઘટાડા સાથે ૭૩,૫૦૨ પર બંધ થયો હતો. બીજી તરફ, દ્ગજીઈ નિફ્ટી ૧૬૧ પોઈન્ટ અથવા ૦.૭૨% લપસીને ૨૨,૩૩૨ ના સ્તર પર બંધ થયો.
પાવર ગ્રીડ કોર્પોરેશન અને ટાટા સ્ટીલ સોમવારના ટ્રેડિંગ સેશન દરમિયાન બ્લુ ચિપ કંપનીઓમાં સૌથી વધુ ઘટ્યા હતા. બે ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. એસબીઆઇ એનટીપીસી અને એચડીએફસી બેંકના શેર પણ લાલ નિશાનમાં બંધ થયા છે. બીજી તરફ નેસ્લે ઈન્ડિયા, બજાજ ફિનસર્વ, એશિયન પેઈન્ટ્સ અને ટેક મહિન્દ્રાના શેર ઉછાળા સાથે બંધ થયા હતા. બ્રોડર માર્કેટની વાત કરીએ તો સ્મોલ કેપ શેર્સમાં ૨ ટકાનો ઘટાડો નોંધાયો હતો. જ્યારે મિડકેપ શેરમાં ૦.૪%નો ઘટાડો થયો છે.
કંપનીના ઓએફએસ રિટેલ રોકાણકારો માટે ખુલ્યા પછી એનએલસી ઇન્ડિયાના શેર ૭% ના વધારા સાથે બંધ થયા. તે જ સમયે, રૂ. ૨,૦૯૨ કરોડના ચાર ઓર્ડર મેળવ્યા પછી, આરવીએનએલના શેર પણ ૩% ના વધારા સાથે બંધ થયા. સેક્ટર મુજબ નિફ્ટી બેક્ધ, મીડિયા, મેટલ, રિયલ્ટી અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરમાં એક ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો. સોમવારના ટ્રેડિંગ સેશન દરમિયાન, બીએસઇ લિસ્ટેડ કંપનીઓના ૩,૦૩૯ શેર લાલ નિશાનમાં બંધ થયા હતા, જ્યારે ૯૨૪ શેર લીલા નિશાનમાં બંધ થયા હતા. ૧૧૮ શેરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.