
મુંબઇ, બુધવારે નબળી શરૂઆત બાદ સ્થાનિક શેરબજારે રિકવરી દર્શાવી હતી પરંતુ તેમ છતાં તે લાલ નિશાનમાં બંધ થયું હતું. સાપ્તાહિક સમાપ્તિ પહેલાં, સેન્સેક્સ ૨૭.૦૯ (૦.૦૩%) પોઈન્ટ ઘટીને ૭૩,૮૭૬.૮૨ પર જ્યારે નિફ્ટી ૧૮.૬૫ (૦.૦૮%) પોઈન્ટ ઘટીને ૨૨,૪૩૪.૬૫ પર બંધ થયો હતો. શરૂઆતની નબળાઈ બાદ બજારને બેન્કિંગ અને આઈટી સેક્ટરના શેરમાં ખરીદીથી ટેકો મળ્યો હતો પરંતુ ઓટો, એફએમસીજી અને ફાર્મા સેક્ટરના શેરમાં પણ વેચવાલીનું દબાણ હતું. આ પહેલા મંગળવારે સેન્સેક્સ ૧૧૦ પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો હતો.
બુધવારના ટ્રેડિંગ સેશન દરમિયાન વોડાફોન આઈડિયા લિમિટેડનો શેર ચાર ટકા વધ્યો હતો. શેરધારકોએ રૂ. ૨૦,૦૦૦ કરોડનું ભંડોળ એકત્ર કરવાની યોજનાને મંજૂરી આપ્યા બાદ કંપનીના શેરમાં આ ઉછાળો આવ્યો છે. કંપનીના શેર બુધવારે ૪%ના વધારા સાથે બીએસઇ પર રૂ. ૧૩.૯૮ પર ટ્રેડ થતા જોવા મળ્યા હતા. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં વોડા-આઇડિયાના શેર રૂ. ૧૩.૪૪ પર ટ્રેડ થતા જોવા મળ્યા હતા.