મુંબઇ, ખાનગી અને જાહેર ક્ષેત્રના બેન્કિંગ શેરો સહિત પીએસયુ શેર્સમાં જોરદાર ખરીદીને કારણે ભારતીય શેરબજાર સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ સેશનમાં મજબૂત ઉછાળા સાથે બંધ થયું છે. આજના કારોબારના અંતે બીએસઈ સેન્સેક્સ ૯૩૮ પોઈન્ટના ઉછાળા સાથે ૭૪,૬૬૮ પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફટી ૨૨૩ પોઈન્ટના ઉછાળા સાથે ૨૨,૬૪૩ પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.
શેરબજારમાં અદભૂત ઉછાળાને કારણે ભારતીય શેરબજારનું માર્કેટ કેપ ફરી એકવાર નવી ઐતિહાસિક ઊંચાઈએ પહોંચ્યું છે.બીએસઇ પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ રૂ. ૪૦૬.૫૯ લાખ કરોડના સ્તરે બંધ થયું હતું, જે છેલ્લા ટ્રેડિંગ સેશનમાં રૂ. ૪૦૪.૦૯ લાખ કરોડના સ્તરે બંધ થયું હતું. આજના ટ્રેડિંગમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૨.૫૦ લાખ કરોડનો ઉછાળો આવ્યો છે.
આજના કારોબારમાં બેન્કિંગ સેક્ટરના શેરોના કારણે બજાર તેજ હતું. નિફ્ટી બેંક ૧૨૨૩ પોઈન્ટના ઉછાળા સાથે ૪૯,૪૨૪ પોઈન્ટની નવી ટોચે બંધ થયો છે. તો નિફ્ટી નો પીએલયુ ઈન્ડેક્સ ૧૮૯ પોઈન્ટના ઉછાળા સાથે ૭૫૬૯ પોઈન્ટ પર બંધ રહ્યો હતો. આ સિવાય ફાર્મા, એફએમસીજી, મેટલ્સ, એનર્જી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર, ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરો પણ આજના કારોબારમાં તેજી સાથે બંધ થયા છે. પરંતુ ઓટો અને આઈટી શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. આજના કારોબારમાં મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ ખરીદી જોવા મળી હતી. સેન્સેક્સના ૩૦ શેરોમાંથી ૨૬ શેર લીલા નિશાનમાં અને ૪ ઘટીને બંધ રહ્યા હતા.
આજના ટ્રેડિંગમાં,આઇસીઆઇસીઆઇ બેંકનો શેર ૪.૬૭ ટકાના ઉછાળા સાથે તેની જીવનકાળની સર્વોચ્ચ સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે એસબીઆઇ ૩.૦૯ ટકા, ઇન્ડસઇન્ડ બેક્ધ ૨.૯૩ ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ ૨.૯૩ ટકા, એક્સિસ બેક્ધ ૨.૪૭ ટકા,એનટીપીસી ૨.૦૭ ટકાના વધારા સાથે બંધ થયા હતા. જ્યારે ઘટતા શેરોમાં એચસીએલ ટેક ૫.૭૯ ટકા,આઇટીસી ૦.૪૪ ટકા, વિપ્રો ૦.૩૭ ટકા, બજાજ ફિનસર્વ ૦.૦૧ ટકાના ઘટાડા સાથે બંધ થયા હતો.