શેરબજારને ’બુધવાર’ ન ગમ્યો; સેન્સેક્સ ૯૦૬ પોઈન્ટ ઘટ્યો, નિફ્ટી ૨૨૦૦૦ ની નીચે લપસી ગયો

મુંબઇ, બુધવારે સ્થાનિક શેરબજારમાં મોટો ઘટાડો નોંધાયો હતો. બુધવારના ટ્રેડિંગ સેશન દરમિયાન,બીએસઈ સેન્સેક્સ ૧,૧૦૦ પોઈન્ટ ઘટીને ૭૩,૦૦૦ની નીચે, જ્યારે એનએસઈ નિફ્ટી પણ ૨૨,૦૦૦ ની નીચે ગબડ્યો હતો. જો કે ત્યારબાદ બજારમાં થોડી ખરીદી જોવા મળી હતી. અંતે, બુધવારે સેન્સેક્સ ૯૦૬.૦૭ (૧.૨૨%) પોઈન્ટ ઘટીને ૭૨,૭૬૧.૮૯ પર બંધ થયો. બીજી તરફ, નિફ્ટી ૩૩૮.૦૦ (૧.૫૧%) પોઈન્ટ ઘટીને ૨૧,૯૯૭.૭૦ પર બંધ થયો હતો.

શેરબજારના સ્મોલ કેપ ઈન્ડેક્સની હાલત સૌથી ખરાબ હતી. સ્મોલકેપ શેરોએ ડિસેમ્બર ૨૦૨૨ પછીનો તેમનો સૌથી મોટો ઘટાડો નોંયો હતો અને તે ૫% જેટલો લપસ્યો હતો. મિડકેપ શેરમાં ૩%નો ઘટાડો નોંધાયો હતો. માઈક્રોકેપ અને એસએમઈ સ્ટોક ઈન્ડેક્સ લગભગ ૫% ઘટ્યા છે. બુધવારના ટ્રેડિંગ સેશન દરમિયાન,બીએસઇ પર લિસ્ટેડ તમામ શેરોની માર્કેટ મૂડી રૂ. ૧૨ લાખ કરોડ ઘટીને રૂ. ૩૭૪ લાખ કરોડ થઈ હતી.