શરત રેડ્ડીની કંપનીઓ પાસેથી ઈલેક્ટોરલ બોન્ડના રૂપમાં બીજેપીને મળેલા પૈસા મની ટ્રેલ છે , આતિશી

  • દિલ્હી દારૂ કેસમાં ધરપકડ પહેલા શરત રેડ્ડીએ ભાજપને ૪.૫ કરોડ રૂપિયા આપ્યા હતા અને ધરપકડ બાદ ૫૫ કરોડ રૂપિયા આપ્યા હતા.

નવીદિલ્હી,ભાજપના ખાતામાં આશરે ૬૦ કરોડ રૂપિયાના દિલ્હી દારૂ કૌભાંડની મની ટ્રેલ મળી આવ્યા બાદ, આમ આદમી પાર્ટીએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની ધરપકડની માંગ કરી છે. આપ નેતા આતિશીએ કહ્યું કે ઈલેક્ટોરલ બોન્ડની માહિતી સાર્વજનિક થતાં જ બીજેપી અને લિકર બિઝનેસમેન શરત રેડ્ડી વચ્ચે મની ટ્રેલની કડી દેશના લોકો સામે આવી ગઈ છે. દિલ્હી દારૂ કેસમાં ધરપકડ પહેલા શરત રેડ્ડીએ ભાજપને ૪.૫ કરોડ રૂપિયા આપ્યા હતા અને ધરપકડ બાદ ૫૫ કરોડ રૂપિયા આપ્યા હતા.

પાર્ટીનું કહેવું છે કે શરત રેડ્ડીને ઈડી દ્વારા મુખ્ય કાવતરાખોર બનાવવામાં આવ્યા હતા, તેણે અગાઉ કહ્યું હતું કે તે અરવિંદ કેજરીવાલને ઓળખતા નથી. પરંતુ તેને જામીન મળતાં જ શરત રેડ્ડી વિરોધી થઈ ગયા અને સરકારી સાક્ષી બન્યા. હવે એ જ શરત રેડ્ડીના આ જ નિવેદનના આધારે સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે. આતિશીએ પીએમ નરેન્દ્ર મોદી અને ED ને પડકાર ફેંક્તા કહ્યું કે દારૂ કૌભાંડમાં હવે મની ટ્રેલ મળી આવી છે. તેથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની ધરપકડ થવી જોઈએ.

આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા આતિશીએ કહ્યું કે દિલ્હીના કહેવાતા દારૂ કૌભાંડમાં બે વર્ષથી સીબીઆઇ ઇડીની તપાસ ચાલી રહી છે. આ મામલામાં લોઅર કોર્ટ હોય, હાઈકોર્ટ હોય કે સુપ્રીમ કોર્ટ હોય, એક પ્રશ્ર્ન વારંવાર ઉઠતો રહ્યો છે કે મની ટ્રેલ ક્યાં છે? જો કૌભાંડ થયું તો પૈસા ગયા ક્યાં? આ કેસમાં એવું કહેવામાં આવ્યું હતું કે આના કારણે દારૂના વેપારીઓને મોટો ફાયદો થયો છે. નફો હતો તો કોને લાંચ આપી? તેમણે કહ્યું કે બે વર્ષની તપાસ, સેંકડો દરોડા અને હજારો લોકોની પૂછપરછ પછી પણ આમ આદમી પાર્ટીના કોઈપણ નેતા, કોઈપણ મંત્રી, કોઈપણ કાર્યકર પાસેથી ગુનાની રકમનો એક રૂપિયો પણ વસૂલવામાં આવ્યો નથી. આમ આદમી પાર્ટીના કોઈ નેતા, કોઈ મંત્રી, કોઈ કાર્યકર પાસેથી એક પણ રૂપિયાની મની ટ્રેલ મળી નથી. સુપ્રીમ કોર્ટે વારંવાર આ પ્રશ્ર્ન પૂછ્યો છે અને પોતાના આદેશમાં પણ લખ્યું છે કે મની ટ્રેલ ક્યાં છે?

આતિશીએ કહ્યું કે સીએમ અરવિંદ કેજરીવાલની ૨ દિવસ પહેલા આ કહેવાતા દારૂ કૌભાંડ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. અરવિંદ કેજરીવાલની ધરપકડ માત્ર એક વ્યક્તિના નિવેદનના આધારે કરવામાં આવી છે, જેનું નામ શરતચંદ રેડ્ડી છે. શરત ચંદ્ર રેડ્ડી ઓરોબિંદો ફાર્મા નામની મોટી ફાર્માસ્યુટિકલ કંપનીના માલિક છે. તેની પાસે બીજી ઘણી કંપનીઓ પણ છે, જેમાંથી બે મોટી કંપનીઓ એપીએલ હેલ્થ કેર અને ઉગિયા ફાર્મા છે. તેમણે કહ્યું કે શરત ચંદ્ર રેડ્ડીને દિલ્હી એક્સાઇઝ પોલિસીમાં કેટલાક ઝોન મળ્યા છે. તેમને ૯ નવેમ્બર ૨૦૨૨ના રોજ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા અને તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે તેઓ ન તો અરવિંદ કેજરીવાલને ઓળખે છે, ન તો તેઓ તેમને મળ્યા છે અને ન તો તેમનો આમ આદમી પાર્ટી સાથે કોઈ વ્યવહાર છે. આ નિવેદનના બીજા જ દિવસે શરતચંદ્ર રેડ્ડીની ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ઘણા મહિનાઓ સુધી જેલમાં રહ્યા પછી એક દિવસ તેણે પોતાનું નિવેદન બદલ્યું અને કહ્યું કે હું અરવિંદ કેજરીવાલને મળ્યો હતો અને દારૂના કૌભાંડ પર તેમની સાથે વાત પણ કરી હતી. આ નિવેદન આપ્યાના થોડા સમય બાદ શરતચંદ રેડ્ડીને જામીન મળી જાય છે. પરંતુ આ માત્ર એક નિવેદન છે. પૈસા ક્યાં છે? મની ટ્રેલ ક્યાં છે? કારણ કે ભાજપ અને તેમનું રાજકીય હથિયાર ઈડી વારંવાર કહી રહ્યું છે કે દારૂના કૌભાંડમાં પૈસા આવ્યા હતા અને દારૂના વેપારીઓએ આ પૈસા લાંચ તરીકે આપ્યા હતા. મની ટ્રેલ વિશે ખુલાસો કરતી વખતે, આતિશીએ કહ્યું કે શરત ચંદ્ર રેડ્ડીની કંપનીઓ દ્વારા ચૂંટણી બોન્ડના રૂપમાં ભાજપને આપવામાં આવેલા પૈસા એ મની ટ્રેલ છે. આજે, આ મની ટ્રેઇલ સમગ્ર દેશની સામે સામે આવી છે કે ઓરોબિંદો ફાર્માના માલિક અને દારૂના વેપારી શરત ચંદ્ર રેડ્ડીએ એક્સાઇઝ પોલિસીની રચના દરમિયાન ભાજપને ૪.૫ કરોડ રૂપિયાના ઇલેક્ટોરલ બોન્ડ આપ્યા હતા. તે પછી, તેની ધરપકડ બાદ, તેણે ભાજપને ૫૫ કરોડ રૂપિયાના વધુ ચૂંટણી બોન્ડ આપ્યા. તેમણે કહ્યું કે છેલ્લા બે વર્ષથી જે મની ટ્રેલની વાત કરવામાં આવી રહી હતી તે હવે સામે આવી છે કે દારૂના ધંધાર્થીઓએ કોને પૈસા આપ્યા, ક્યાં અને ક્યારે પૈસા ગયા. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈડીને પડકાર ફેંક્તા કહ્યું કે આજે દારૂના કૌભાંડની મની ટ્રેલ મળી આવી છે. તમામ પૈસા ભાજપના બેંક ખાતામાં ગયા છે. તેથી હવે ઈડીએ ભાજપને આરોપી બનાવવો જોઈએ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની ધરપકડ કરવી જોઈએ. કારણ કે હવે પહેલીવાર એક્સાઈઝ પોલિસી મામલે સત્તાવાર મની ટ્રેઈલ સામે આવી છે અને આ મની ટ્રેઈલ દારૂના વેપારીઓ પાસેથી સીધી ભાજપના બેંક ખાતામાં ગઈ છે.