- મરાઠી ફિલ્મનું સ્ક્રીનિંગ રોકવા મોલમાં તોફાન મચાવ્યું હતું
મુંબઇ,
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના નેતા અને પૂર્વ કેબિનેટ મંત્રી જિતેન્દ્ર આવ્હાડની કથિત રીતે મરાઠી ફિલ્મનું સ્ક્રીનિંગ રોકવા અને એક પત્રકારને માર મારવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આવ્હાદ તેમના સમર્થકો સાથે થાણેના એક મોલમાં ઘૂસી ગયો હતો અને મરાઠી ફિલ્મ – ’હર હર મહાદેવ’નું સ્ક્રીનિંગ બળજબરીથી બંધ કરાવી દીધું હતું. એટલું જ નહીં પરંતુ વિરોધ કરવા બદલ એક દર્શકને માર પણ માર્યો હતો.
એનસીપી નેતા જિતેન્દ્ર આવ્હાડે એવો આરોપ લગાવ્યો હતો કે આ ફિલ્મમાં છત્રપતિ શિવાજી મહારાજ વિશે ખોટો ઇતિહાસ બતાવવામાં આવી રહ્યો છે. જિતેન્દ્ર આવ્હાડે માત્ર ફિલ્મ જ રોકી ન હતી, પરંતુ પ્રેક્ષકોને થિયેટર છોડવાની ફરજ પાડી હતી. થાણે પોલીસે જણાવ્યું હતું કે, એનસીપીના ધારાસભ્ય જિતેન્દ્ર આવ્હાડ અને તેના ૧૦૦ કાર્યકરો સામે થાણેના વર્તક નગર પોલીસ સ્ટેશનમાં ફિલ્મ ’હર હર મહાદેવ’ના શોને બળજબરીથી બંધ કરવા અને પ્રેક્ષકો પર હુમલો કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે.
ફિલ્મના ડાયરેક્ટર અભિજીત દેશપાંડેએ કહ્યું કે, અમે સેન્સર બોર્ડની સામે અમારું સ્ટેન્ડ રાખ્યું હતું. સેન્સર બોર્ડે અમને કેટલાક સવાલો પૂછ્યા હતા, જેનો જવાબ અમે સંબંધિત ઇતિહાસમાં લખેલા પેજને દેખાડીને આપ્યો હતો, જે પછી જ સેન્સર બોર્ડે સટફિકેટ આપ્યું હતું. તેથી જ હું વધારે નહિ કહું. જે મુદ્દાઓનો વિરોધ થઈ રહ્યો છે તે તમામ મુદ્દાઓ અંગે અમે સેન્સર બોર્ડને સ્પષ્ટતા આપી છે અને અમે તમામ બાબતોનો જવાબ નહીં આપીએ, પરંતુ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવશે. આ ફિલ્મ ૧૯૦૫ માં પ્રખ્યાત ઇતિહાસકાર કૃષ્ણજી અર્જુન કેલુસ્કર દ્વારા લખાયેલા એક પુસ્તક પર આધારિત છે. અભિજીત દેશપાંડેએ કહ્યું, રાજ્યના તમામ લોકોએ મને કહેવું પડશે કે આ ફિલ્મ જુઓ, જે લોકો આ ફિલ્મનો વિરોધ કરી રહ્યા છે તેમણે આ ફિલ્મ જોઈ નહીં હોય. શનિવાર અને રવિવારે લોકોએ આ ફિલ્મને સારો રિસ્પોન્સ આપ્યો છે. જો ખોટું હશે તો સરકાર કાયદેસરની કાર્યવાહી કરશે. આ ફિલ્મમાં એક પણ અપમાનજનક શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો નથી, અમે છત્રપતિ સંભાજી રાજેને આ ફિલ્મ જોવા માટે આમંત્રણ આપવાના છીએ.