મુંબઇ, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં મહારાષ્ટ્રનાનાયબ મુખ્યમંત્રી અજિત પવારના નાના ભાઈ શ્રીનિવાસ પવાર તેમની ટીકા કરતા જોવા મળ્યા હતા. હકીક્તમાં, શ્રીનિવાસ પવારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના સ્થાપક શરદ પવારને છોડવા બદલ અજિત પવારની ટીકા કરી છે. અહીં નોંધવું રહ્યું કે ગત વર્ષે અજિત પવાર તેમના આઠ ધારાસભ્યો સાથે એકનાથ શિંદે સરકારમાં સામેલ થયા હતા.
૬૦ વર્ષીય શ્રીનિવાસ પવારે બારામતીના કાટેવાડી ગામમાં સ્થાનિક લોકો સાથે વાતચીત કરતા કહ્યું કે એનસીપીના સંસ્થાપક હંમેશા અજિત પવારના સુખ-દુ:ખમાં તેમની સાથે ઉભા હતા. શરદ પવારે હંમેશા અજિત પવારના નિર્ણયનું સમર્થન કર્યું છે. તેમણે અજિત પવારને ચાર વખત ડેપ્યુટી સીએમ અને ૨૫ વર્ષ સુધી મંત્રી બનાવ્યા. આવા પરોપકારી વિશે ખરાબ બોલવું યોગ્ય નથી.
વીડિયોમાં શ્રીનિવાસ પવારને એમ કહેતા સાંભળવામાં આવ્યા હતા કે, પાર્ટીના વિભાજન પછી જ્યારે અમે (શ્રીનિવાસ અને અજિત) વાત કરી, ત્યારે મેં તેમને (અજિત પવાર)ને કહ્યું કે તમે બારામતી વિધાનસભા સીટ પરથી લડતા રહો અને અહીંથી લોક્સભાની ચૂંટણી શરદ પવારનાનેતૃત્વ હેઠળ લડવામાં આવે.શ્રીનિવાસે વધુમાં કહ્યું કે તેઓ એનસીપીના સ્થાપકને છોડવા તૈયાર નથી, કારણ કે તેઓ હવે ૮૩ વર્ષના છે. તેમણે વધુમાં જણાવ્યું કે તેમના કેટલાક મિત્રોએ પણ તેમને અજિત પવાર સાથે જવા કહ્યું કારણ કે ભવિષ્ય તેમની સાથે છે.
શ્રીનિવાસ પવારે કહ્યું, વૃદ્ધ વ્યક્તિ પ્રત્યે સંવેદનશીલ ન હોવાનો વિચાર મને ઘણું દુ:ખ પહોંચાડે છે. જેની પાસે આવી વિચારસરણી હોય તે ખરેખર નકામો વ્યક્તિ છે. અજિત પવાર ઘણીવાર શરદ પવારની ઉંમર વિશે વાત કરે છે અને તેમને નિવૃત્ત થવા અને આગામી પેઢીને એનસીપીની સત્તા સોંપવા માટે પણ કહ્યું છે.
અજિત પવાર પર ગુસ્સે ભરાયેલા શ્રીનિવાસે કહ્યું, કોઈ કેવી રીતે આવા વ્યક્તિને (શરદ પવાર) નિવૃત્ત થઈને ઘરે બેસી રહેવાનું કહી શકે? મને આવા લોકો પસંદ નથી. જેમ તમામ દવાઓની એક્સપાયરી ડેટ હોય છે, તેમ સંબંધોની પણ એક્સપાયરી ડેટ હોય છે.
શ્રીનિવાસે વધુમાં કહ્યું હતું કે, આવા કાકા મળવાથી હું ખૂબ જ ખુશ છું. તેમણે ભાજપ અને આરએસએસ પર પાર્ટી અને પરિવારમાં તિરાડ પેદા કરવાનો અને શરદ પવારનું નામ ભૂંસી નાખવાનું કાવતરું કરવાનો આરોપ લગાવ્યો છે.