
મુંબઇ, મહારાષ્ટ્ર રાજકીય કટોકટી: અજિત પવારે રવિવારે તેમના કાકા શરદ પવાર સામે બળવો કર્યો અને એકનાથ શિંદે સરકારમાં નાયબ મુખ્ય પ્રધાન બનવા માટે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીથી અલગ થઈ ગયા. ત્યારથી સવાલ ઉઠી રહ્યો છે કે શું મહારાષ્ટ્રના રાજકારણના ચાણક્ય કહેવાતા શરદ પવારને આ વાતની જાણ હતી. હવે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેએ આ અંગે નિવેદન આપીને સનસનાટી મચાવી દીધી છે.

એમએનએસ ચીફ રાજ ઠાકરેએ કહ્યું, ’શરદ પવાર કહે છે કે તેમને આ વિશે ખબર ન હતી. એવું ન થઈ શકે કે શરદ પવારને અજિત પવારની ચાલ વિશે ખબર ન હોય. આ બધું પવારનું રાજકીય ડ્રામા છે. આજે રાજ્યમાં કોણ કોનું દુશ્મન છે તે ખબર નથી.
અજિત પવારના બળવા પછી મહાવિકાસ આઘાડીમાં પણ અંદરોઅંદર ઝઘડો વધી ગયો છે. પ્રશ્ર્ન એ છે કે વિપક્ષનો નેતા કયો પક્ષ હશે, કારણ કે અત્યાર સુધી વિપક્ષના નેતા રહેલા અજિત પવાર હવે સરકારમાં સામેલ થયા છે. કોંગ્રેસના નેતા બાળાસાહેબ થોરાટે વિપક્ષના નેતાની ખુરશી પર દાવો કર્યો છે અને કહ્યું છે કે જે પક્ષના ધારાસભ્યો સૌથી વધુ હશે. તેઓ વિપક્ષના નેતા પદ પર દાવો કરશે.