શંકાસ્પદ ચાંદીપુરમના કેસ અન્વયે ખેડા જીલ્લામાં ફીવર સર્વે તથા આઇઇસી કામગીરી હાથ ધરવામાં આવી

જીલ્લા આરોગ્ય તંત્ર, ખેડા-નડિયાદ દ્વારા શંકાસ્પદ ચાંદીપૂરમના કેસોના સંદર્ભે ફીલ્ડ કામગીરી સાથે આઇઇસી કામગીરી તેજ કરવામાં આવી છે. જે મુજબ સેન્ડફલાઇ એક એવી માખી છે જે ઘરની અંદરની બાજુએ કાચી કે પાકી દિવાલ પર ભેજવાળા વાતાવરણમાં રહે છે. સેન્ડફલાઇ તેની ઉત્પતિ માટે ઇંડા મૂકે છે. તેમાથી મચ્છરની જેમ ઇયળ કોશેટો અને તેમાંથી પુખ્ત માખી બને છે. આ સેન્ડ ફલાઇ નરી આંખે જોઇ શકાય તેવી સામાન્ય માખી કરતા ચાર ગણી નાની હોય છે. ગ્રામ્ય વિસ્તારોના ઘરોમાં ખાસ કરી ગાર-લીપણવાળા ઘરોમાં દિવાલની તિરાડો તેમજ દિવાલમાં રહેલા નાના છીદ્રોમાં તે રહે છે. આનાથી બચવા શાળાના બાળકોને માહીતગાર કરવામાં આવી રહ્યા છે. વધુમાં માઇક પ્રચાર, જૂથ ચર્ચા વગેરે કરીને પણ લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે.

ચાંદીપુરા તાવના લક્ષણો….

બાળકને સખત તાવ આવવો, ઝાડા-ઉલ્ટી થવી, ખેંચ આવવી અર્ધ બેભાન કે બેભાન થવુ.

આ વાયરસ અંગે તકેદારી રાખવાની બાબતો…..

એન્સેફીલાઇટીસ નામનો તાવ બાળકોને પ્રારંભિક તબક્કામાં તાવના લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રમાં સારવાર અપાવવી જોઈએ. જરૂરી રિપોર્ટ કરાવવા જોઇએ. આ વાયરસનો ફેલાવો મચ્છર તેમજ સેન્ડફલાઇ એટલે કે માટીના વિસ્તારમાં રહેતી માખીથી થતો હોય છે. જે માટે માખીનો નાશ કરવો જરૂરી છે. ઘરની અંદરના ભાગે શક્ય હોય ત્યાં સુધી હવાઉજાસ (સૂર્યપ્રકાશ આવે) તેવી વ્યવસ્થા કરવી. 0 થી 14 વર્ષ સુધીના બાળકોને જંતુનાશક દવાયુકત મચ્છરદાનીમાં સૂવડાવવાનો આગ્રહ રાખો. બાળકોને શક્ય હોય ત્યાં સુધી ખુલ્લા શરીરે ઘરની બહાર આંગણામાં (ધૂળમાં) રમવા દેવા નહીં.

ચાંદીપુરા વાયરસનો ઇતિહાસ….

વર્ષ 1966 માં ચાંદીપુરા વાયરસનો પ્રથમ કેસ મહારાષ્ટના નાગપૂર નજીકના ચાંદીપુરા વિસ્તારમાં દેખાયો હતો. જેથી કરી તેનું નામ ચાંદીપૂરા રાખવામાં આવ્યું. મુખ્યત્વે આ કેસો આદિવાસી વિસ્તારમાં જોવા મળે છે. ચાંદીપુરા વાયરસ આર.એન.એ. વાયરસ છે. જે મોટેભાગે માદા ફલેબોટોમાઇન ફલાય દ્વારા ફેલાતો હોય છે. આ વાયરસનો ભોગ 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકો બને છે. તેનો મૃત્યુદર સૌથી વધુ છે.