શંકરસિંહ વાઘેલા અને અમિત શાહ વચ્ચે બંધ બારણે બેઠક યોજાઇ, નવાજૂની થવાના એંઘાણ

ગુજરાતમાં રાજકારણના બે મોટા નેતાઓ વચ્ચે ગાંધીનગર સકટ હાઉસ ખાતે બેઠક યોજાઇ હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલ વચ્ચે બેઠક યોજાતા ગુજરાતના રાજકારણમાં કંઇક નવાજૂની થવાના એંઘાણ જોવા મળી રહ્યા છે. ગુજરાતના રાજકારણમાં મોટી ઉથલપાથલ થવાની ચર્ચાએ રાજકીય વર્તુળમાં જોર પકડ્યું છે. જોકે શંકરસિંહ વાઘેલાએ ઔપચારિક બેઠક હોવાનું જણાવ્યું હતું.

છેલ્લા કેટલાક સમયથી રાજકારણ અને સમાચારોથી દૂર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ફરી એકવાર ચર્ચામાં આવી ગયા છે. આજે ગાંધીનગર ખાતે આવેલા સકટ હાઉસમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને શંકરસિંહ વાઘેલા વચ્ચે મીટીંગ યોજાઇ હતી. આ મુલાકાત બાદ રાજકીય વર્તુળમાં ગુજરાતના રાજકારણમાં મોટી ઉથલપાથલની ચર્ચાઓ થઇ રહ્યું છે. આ મુલાકાતને મોટા રાજકીય ફેરફારના સંકેત તરીકે જોવામાં આવી રહી છે.

મુલાકાતને લઇને શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે આ માત્ર એક શિષ્ટાચાર મુકાલાત હતી, અમે સાથે મળીને ચા-પાણી કર્યા અને ઘણી વાતો કરી હતી. તેમણે જણાવ્યું હતું કે હું દીકરા મહેન્દ્રસિંહ વાઘેલાની રાજકીય કારકિર્દીની ચર્ચા કરવા ગયો હતો. જો કે આ બેઠક બાદ શંકરસિંહ વાઘેલાના પુત્ર ભાજપમાં જોડાઈ શકે છે તેવી ચર્ચાઓ પણ શરૂ થઇ ગઇ છે, પરંતુ આ અંગે કોઇ ચોક્કસ માહિતી મળી નથી.