ગુજરાતમાં જૂનાગઢ મહાનગરપાલિકા, 66 નગરપાલિકા સહિત પંચાયતની પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી કરવાની અંતિમ તારીખ 1 ફેબ્રુઆરી છે. ત્યારે આજથી બે દિવસ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ગાંધીનગરમાં સીએમના અધ્યક્ષસ્થાને મળશે. જેમાં ભાજપના મુરતિયાઓ નક્કી કરાશે. બેઠકમાં મુખ્યમંત્રી ઉપરાંત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, સંગઠન મહામંત્રી અને પાર્લામેન્ટરી બોર્ડના સભ્યો ઉપસ્થિત રહેશે.
નગરપાલિકા અને મનપાની ચૂંટણી માટે ઉમેદવારો નક્કી કરવા માટે મુખ્યમંત્રીના નિવાસસ્થાન પર આજે અને આવતીકાલે(30 જાન્યુઆરી)એ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે, જેમાં મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ પાટીલ સહિત બોર્ડના સભ્યો હાજર રહેશે. સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નિરીક્ષકો દ્વારા રજૂ કરવામાં આવેલાં નામો પર બેઠકમાં ચર્ચા કરાયા બાદ ઉમેદવારોની ફાઈનલ યાદી 31 જાન્યુઆરી જાહેર કરવામાં આવે એવી શક્યતા છે.
રાજ્યની જૂનાગઢ મહાનગરપાલિકા અને 66 નગરપાલિકામાં ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. અહીં 16મી ફેબ્રુઆરીએ મતદાન અને 18મીએ મતગણતરી હાથ ધરાશે. મનપા અને ન.પા.ની સામાન્ય ચૂંટણીની સાથે જ કઠલાલ, કપડવંજ અને ગાંધીનગર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી યોજાશે. જ્યારે બોટાદ અને વાંકાનેર નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે.
કોંગ્રેસે મહાનગર સંગઠનના હોદ્દેદારોને કોરા મેન્ડેટ આપ્યા કોંગ્રેસે પોતાના ઉમેદવાર હાલ જાહેર કરવાને બદલે જિલ્લા અને મહાનગરના સંગઠનના હોદ્દેદારોને બોલાવી બેઠક દીઠ બેથી ત્રણ કોરાં મેન્ડેટ સોંપી દીધા છે. પક્ષમાંથી અને સ્થાનિક સ્તરે સહયોગ કરીને ફાઇનલ થયેલા ઉમેદવારો આ મેન્ડેટ લઇ ફોર્મ ભરશે.