
ગોધરા , ગોધરા શહેરમાં આવેલી શ્રી શામળાજી હોમિયોપેથીક મેડિકલ કોલેજ દ્વારા વિશ્ર્વ હોમિયોપેથીક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં હોમિયોપેથીક કોલેજના વિદ્યાર્થીઓ તેમજ પ્રોફેસરો દ્વારા ગોધરાના ચર્ચ સર્કલથી રેલી સ્વરૂપે ગોધરા શહેરના મુખ્ય માર્ગો ઉપર ફેરવવામાં આવી હતી અને કોલેજ ખાતે મેગા હેલ્થ ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીનાં ઇ.સી. મેમ્બર ડો. અજય સોની, શ્રી શામળાજી હોમીઓપેથીક મેડિકલ કોલેજ, ગોધરાનાં ટ્રસ્ટી ડો. વિશાલ સોની, તેમજ ડો. શ્યામસુંદર શર્મા સહિત કોલેજનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
10 એપ્રિલ ડો. ક્રિશ્ચિયન ફ્રેડરિક સેમ્યુઅલ હેનીમેનની જન્મજયંતિ છે. તે એક જર્મન ડોક્ટર હતા, તેમને હોમિયોપેથીના સ્થાપક પણ કહેવામાં આવે છે. આ કારણોસર તેમના યોગદાનને ધ્યાનમાં રાખીને દર વર્ષે 10મી એપ્રિલને વિશ્ર્વ હોમિયોપેથી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ડોક્ટરો અને જેઓ આ પદ્ધતિ પર વિશ્ર્વાસ કરનારા આ દિવસે ડો. હેનિમેનને યાદ કરે છે.
ગોધરા શહેરમાં શ્રી શામળાજી હોમિયોપેથીક મેડિકલ કોલેજ ખાતે 268મી વિશ્ર્વ હોમિયોપેથીક દિવસની ઉજવણીનાં ભાગરૂપે મેગા હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જાણીતા તબીબો દ્વારા હોમિયોપેથીક વિભાગ, ફિઝિયોથેરાપી(કસરત) વિભાગ, દાંત વિભાગ, સર્જરી વિભાગ, નેત્ર વિભાગ, બાળરોગ વિભાગ, સ્ત્રી રોગ વિભાગ અને ચામડી વિભાગના તબીબો આ કેમ્પમાં ભાગ લેનાર તમામ દર્દીઓને નિ:શુલ્ક ચેકઅપ કરવામાં આવશે.
આ કેમ્પનું આયોજન શ્રી સત્યનારાયણ સાર્વજનિક જનરલ હોમિયોપેથીક હોસ્પિટલ, કનેલાવ રોડ, વાવડી બુઝર્ગ, ગોધરા ખાતે રાખવામાં આવેલો છે. આ કેમ્પ અંતર્ગત દર્દીઓને હોમિયોપેથીક દવા નિ:શુલ્ક આપવામાં આવશે. આ કેમ્પનું સફળ આયોજન હોમિયોપેથીક સંસ્થાના ટ્રસ્ટી ડો. વિશાલ સોની દ્વારા કરવામાં આવ્યું હતું.
10 એપ્રિલ હોમિયોપેથીના જનક ડો. સેમ્યુઅલ હેનેમનના 268માં જન્મ દિવસ નિમિત્તે વિશ્ર્વ હોમિયોપેથી દિવસની ઉજવણી અંતર્ગત ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, નિયામક આયુષની કચેરી ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ આયુષ શાખા જિલ્લા પંચાયત પંચમહાલ દ્વારા આંબેડકર પ્રાથમિક શાળા તીરગરવાસ ગોધરા ખાતે હોમિયોપેથીક નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
જે અંતર્ગત આજુબાજુની પાંચ આંગણવાડીઓના 150 જેટલા નાના ભૂલકાઓને ફળ વિતરણ કરવામાં આવ્યું, તથા કુપોષિત અને અતિ કુપોષિત બાળકોના સ્વાસ્થ્ય સુધાર માટે હોમિયોપેથિક દવાઓ આપવામાં આવી હતી. સદર કેમ્પમાં 320 દર્દીઓએ લાભ લીધો હતો. આ કેમ્પમાં ડાયાબિટીસ ચેકઅપની પણ સુવિધા રાખવામાં આવી જેનો બહોળા પ્રમાણમાં દર્દીઓએ લાભ લીધો સદર કેમ્પના ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા આયુષ અધિકારી પોપટપુરા આયુર્વેદ હોસ્પિટલના વૈદ્ય પંચકર્મ, સ્થાનિક નગરપાલિકાના સદસ્યો, સ્થાનિક આયુષ તથા નાગરિકો હાજર રહ્યા હતા. હોમિયો પરિવાર સર્વજન સ્વાસ્થ્ય one health one family થીમ સાથે સદર કેમ્પમાં આયુષ વિભાગના હોમિયોપેથીક મેડિકલ ઓફિસરોએ ફરજ બજાવી હતી.