શામળાજી હાઇવે પર અકસ્માતમાં યુવાનના મોત બાદ ચક્કાજામ, પોલીસની ગાડીને ચાંપી દીધી આગ

હિંમતનગર, હિંમતનગર શામળાજી હાઇવે પર ગામડી પાસે આજે વહેલી સવારે અકસ્માતમાં એક સ્થાનિકનું મોત થતા ચક્કાજામ કરીને વિરોધ કરી રહ્યા છે. હાઇવે પર પથ્થર, ઝાડના મોટા મોટા થડ મુકી અને ટાયરો સળગાવીને ચક્કાજામ કર્યો છે. જેના કારણે બંને બાજુ વાહનોની લાંબી ક્તારો લાગી છે. રોષે ભરાયેલા ટોળાએ ડીવાય એસપીની ગાડીમાં પણ આગચંપી કરી હતી. આ સાથે ટોળાએ ત્રણથી ચાર ગાડીના કાંચ પણ તોડી નાંખીને દેખાવો કર્યા હતા.હાઇવે પર ટોળાએ હાથમાં કાયદો લેતા પોલીસને ટિયર ગેસના સેલ છોડવાની ફરજ પડી છે. હાલ ગાંભોઇ પોલીસ ઘટના સ્થળે પહોંચીને સ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહી છે. આ સાથે ઉપરી અધિકારીઓ પણ ત્યાં આવી પહોંચ્યા છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, આજે સવારે સાબરકાંઠાના હિંમતનગર શામળાજી હાઇવે પર વહેલી સવારે અજાણ્યા વાહને યુવાનને ટક્કર મારતા તેનું મોત નીપજ્યુ હતુ. જેના કારણે સ્થાનિકોમાં રોષ છવાયો છે. ટોળાએ હાઇવેની બંને બાજુ ચક્કાજામ કરીને વિરોધ નોંધાવી રહ્યા છે.

આ ચક્કાજામને કારણે સામાન્ય માણસો ટ્રાફિકજામમાં ફસાયા છે. આ ટોળાએ હાઇવે પર મોટા મોટા લાકડા અને પથ્થરો મૂકીને બંને બાજુનો ટ્રાફિક રોકી દીધો છે.

આ જગ્યા પર હાલ કોઇને જવા દેતા પણ નથી. આ અંગેનો વીડિય જો કોઇએ ઉતાર્યો હોય તો તે પણ તેઓ માોબાઇલ જોઇને ડિલિટ કરાવી રહ્યા છે. ટોળાએ કાયદાની એસીકી તેસી કરીને રસ્તા પર જ ટાયર સળગાવ્યા છે. આટલું જ નહીં પરંતુ ટોળામાં એટલો રોષ ભભૂક્યો છે કે, તેઓએ ડીવાયએસપીની ગાડી પર પણ આગચંપી કરી છે. આ સાથે ટોળાએ ચારેક ગાડીઓના કાંપ પણ તોડ્યા છે. ટોળાંએ પોલીસ પર પથ્થરમારો પણ કર્યો છે.

આ આખી સ્થિતિ પર કાબૂ લાવવા માટે પોલીસે ટિયરગેસના સેલ પણ છોડવા પડ્યા છે. આ ગામ લોકોની માંગ છે કે, અવારનવાર અહીં આવા અકસ્માત સર્જાય છે તેથી અહીં લાય ઓવર બનાવવાની માગ કરાઈ રહી છે.