શામળાજી બોર્ડર નજીક ૪.૭૦ કરોડના વિદેશી દારુ પર રોલર ફરી વળ્યુ

હિંમતનગર, બોર્ડર જિલ્લાઓંમાંથી દારુની હેરાફેરી કરવામાં આવતી મોટા પાયે ઝડપાતી હોય છે. આવી જ રીતે અરવલ્લી પોલીસ દ્વારા અને સ્ટેટ એજન્સીઓ દ્વારા શામળાજી અને આસપાસના વિસ્તારમાં દારુનો જથ્થો ઝડપવામાં આવતો હોય છે. અરવલ્લી પોલીસે કરોડો રુપિયાનો દારુ ગુજરાતમાં ઘુસાડાતો ઝડપી લઈને કાર્યવાહી કરી હતી. આવી રીતે જ ઝડપેલો ૪ કરોડ ૭૦ લાખ રુપિયાની કિંમતના દારુને નાશ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

શામળાજી નજીક આવેલ જીએસટી ચેકપોસ્ટ ગ્રાઉન્ડ ખાતે દારુના જથ્થાને નાશ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. જિલ્લાના શામળાજી ઉપરાંત મોડાસા શહેર, મોડાસા રુરલ, મેઘરજ, ઈસરી, ટીંટોઈ અને ભિલોડા પોલીસ મથક વિસ્તારમાંથી ઝડપાયેલ દારુના જથ્થાને નાશ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.