શમીની પત્ની હસીન જહાં વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીઓ દૂર કરો કલકત્તા હાઈકોર્ટ યુટ્યુબને આદેશ આપ્યો

કોલકતા,

કલકત્તા હાઈકોર્ટે ક્રિકેટર મોહમ્મદ શમીની પત્ની હસીન જહાં વિરુદ્ધ કરવામાં આવેલી વાંધાજનક ટિપ્પણીના મુદ્દે ટિપ્પણી કરી હતી. કોર્ટે કહ્યું કે, હસીન વિરુદ્ધ અંગત અને અપમાનજનક ભાષાનો ઉપયોગ ન કરવો જોઈએ. આ સિવાય કોર્ટે યુટ્યુબના અધિકારીઓને તેમની વિરુદ્ધ કરવામાં આવેલી તમામ ટિપ્પણીઓને દૂર કરવાનો નિર્દેશ આપ્યો છે.

જસ્ટિસ રાજશેખર મંથાની ખંડપીઠે કહ્યું કે, હસીનને યુટ્યુબ પર ટ્રોલ કરનારા લોકોની સંખ્યા મોટી છે. તેથી તે બધા સામે કાર્યવાહી કરવી નિરર્થક હશે. આ સાથે કોર્ટે હસીનને તે તમામ પોસ્ટ અને સામગ્રીની વિગતો પોલીસને આપવાનું પણ કહ્યું, જે તેમને અપમાનજનક લાગે જેથી તેઓ તેને યુટ્યુબ પરથી હટાવી શકે. હસીન જહાં બોલ્ડ ફોટોશૂટ અને ડાન્સ વીડિયો સહિત એક યા બીજા કારણે હેડલાઈન્સમાં રહે છે. તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે. મોહમ્મદ શમી સાથે ચાલી રહેલી કાનૂની લડાઈને કારણે તેને ઘણા ટ્રોલનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે જ તેમણે બે વર્ષ પહેલા અયોયામાં રામ મંદિરના નિર્માણ માટે અભિનંદન પાઠવ્યા હતા. આ પછી યુઝર્સે તેને જોરદાર ટ્રોલ કર્યો હતો. કેટલાક યુઝર્સે હસીન જહાં પર બળાત્કાર અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.