ગુજરાતમાં ગઈકાલથી શરુ થયેલા શાળા પ્રવેશોત્સવ ૨૦૨૪ના બીજા દિવસે, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે, છોટા ઉદેપુરની શાળામાં પ્રવેશોત્સવમાં ભાગ લીધો હતો. વર્ષ ૨૦૦૫-૦૬ તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે શાળા પ્રવેશ મેળવીને ઉજ્જવળ કારકિર્દી ઘડનારા વિદ્યાર્થીઓનું અને વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ સિધિઓ મેળવનાર વિદ્યાર્થીઓનુ સન્માન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરાયું હતું, ધોરણ-૩ થી ૮માં પ્રથમ સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓને શિલ્ડ એનાયત કરાયા હતા.
આજે બાળકને સ્માર્ટ ક્લાસ, કમ્પ્યુટર લેબ, સ્કીલ બેઈઝ્ડ એજ્યુકેશન શિક્ષકો દ્વારા સરકાર પૂરું પાડે છે. શિક્ષણમાં આમૂલ પરિવર્તન થયું છે તથા શાળામાં બાળકોની નિયમિતતા અંગે પણ શિક્ષક સજાગ બન્યા છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે છોટાઉદેપુરની પી.એમ.શ્રી તાલુકા શાળા નં-૧ ની મુલાકાત લઇ આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ-૧ માં પ્રવેશપાત્ર ભૂલકાઓ, બાળકો તેમજ ધોરણ-૯ તથા ધોરણ-૧૧ ના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપીને ઉમંગ ઉલ્લાસ સાથે તેમનો શાળા પ્રવેશ કરાવ્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટલે વર્ગખંડોમાં જઇને વાંચન-લેખન, ગણન કૌશલ્ય, વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રવિણતાની ઉંડાણપૂર્વક ચકાસણી કરી હતી. તેમણે સ્માર્ટ વર્ગ ખંડ સહિત શાળાની ભૌતિક સુવિધાઓ અને શાળા પર્યાવરણનું નિરીક્ષણ કર્યું હતું અને શાળા પ્રબંધન સમિતિના સભ્યો સાથે આ શાળાના શિક્ષણની ગુણવત્તા સંદર્ભે વિચાર વિમર્શ કર્યો હતો.
ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે આદિવાસી વિસ્તારોમાં આંતર માળખાકીય સુવિધાઓ પુરી પાડી છે. દીકરીઓ માટે નમો લક્ષ્મી યોજના તથા વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે નમો સરસ્વતી યોજના અમલી બનાવી છે. એટલું જ નહીં, ઉચ્ચ શિક્ષણ માટેની અનેકવિધ યોજનાઓ પણ રાજ્ય સરકારે શરૂ કરી છે. સરકારની સાથે શિક્ષકોની સહભાગીતા અને વાલીઓની જાગૃતિ થકી ગુજરાત શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર બન્યુ છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉપસ્થિત શિક્ષકોને સરકારી શાળાઓના શિક્ષણનું સ્તર શ્રેષ્ઠ બને, દરેક પરિવારનો બાળક શિક્ષણ મેળવીને સુસંસ્કારી અને શિક્ષિત બને એવું લક્ષ્ય રાખીને શિક્ષક તરીકે સેવાદાયિત્વ નિભાવવા જણાવ્યું હતું.