પંચમહાલ જિલ્લાના પાવાગઢ ડુંગર ઉપર આવેલા યાત્રાધામ મહાકાળી મંદિરે અને તાલુકાના તાજપુરા ગામે નારાયણ બાપુની તપોભૂમિ અને તીર્થસ્થળ નારાયણ ધામ ખાતે આજે દેવ દિવાળીના દિવસે અન્નકૂટના દર્શન કરવા ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. વહેલી સવારથી જ બંને સ્થળો ઉપર દર્શનર્થીઓનો ભારે ધસારો જોવા મળ્યો છે.
શક્તિપીઠ યાત્રાધામ પાવાગઢ મહાકાળી મંદિર માઇભક્તો માટે આસ્થા શક્તિ અને ભક્તિનું કેન્દ્ર બન્યું છે. શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓનું ફરવા માટેનું ધાર્મિક સ્થળ બની ગયું છે. વર્ષો પછી અત્રે મંદિરના નવીનીકરણ બાદ અહીં આવતા માઈભક્તોમાં નોંધનીય વધારો જોવા મળ્યો છે. ત્યારે આજે દેવ દિવાળીના શુભ દિવસે શ્રી મહાકાળી મંદિર ટ્રસ્ટ દ્વારા મહાકાળી માતાજીને અન્નકૂટ ધતાવવમાં આવ્યો હતો. છપ્પન ભોગનો મનોરથ ધરાવવામાં આવતા આખું મંદિર પરિસર શણગારવામાં આવ્યું હતું. વહેલી સવારથી જ માતાજીના આશીર્વાદ એડવાવા આવેલા માઇભક્તો માતાજીના જયકારા સાથે શક્તિપથ ઉપર કતારમાં લાગેલા જોવા મળ્યા હતા.
આજે અન્નકૂટના દર્શન હોવાથી ગુજરાત જ નહીં અન્ય રાજ્યોમાંથી પણ માઇભક્તોનો પ્રવાહ વહેલી સવારથી જ શરૂ થઈ ગયો હતો. સ્થાનિક પોલીસે ટ્રાફિક અડચણ ઉભી ન થાય તે માટે ખાનગી વાહનોને તબક્કાવાર માચી સુધી જવા દેવામાં આવ્યા હતા.
હાલોલના તાજપુરા ખાતે આવેલ નારાયણ ધામ મંદિરમાં આજે દેવ દિવાળીના શુભ દિવસે અન્નકૂટના દર્શન યોજાયા હતા. બ્રહ્મલીન બાપુજીના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો આવ્યા હતા. અહીં આવેલા હજારો ભક્તોએ મહા પ્રસાદી મેળવી હતી.
દિવાળી અને દેવ દિવાળીના તહેવારોમાં હિન્દૂ મંદિરોમાં વિવિધ મનોરથોનો વિશેષ મહિમા હોય છે, ખાસ કરીને મોટા તમામ મંદિરોમાં ભગવાનને અન્નકૂટ ધરાવવામાં આવે છે. દેવ દિવાળીના દિવસે ભગવાનને છપ્પન ભોગ ધરાવી ભક્તોને અન્નકૂટના દર્શન કરાવી પ્રસાદી આપવામાં આવતી હોય છે. આજે હાલોલના તાજપુરા ખાતે આવેલ નારાયણ ધામ કે જ્યાં આંખો મોતિયા બિંદના મફત ઓપરેશનની સેવા આપવામાં આવે છે. તે નારાયણ ધામના મંદિરે અન્નકૂટના દર્શન યોજવામાં આવ્યા હતા. બ્રહ્મલીન બાપુજીના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો આવ્યા હતા. બ્રહ્મલીન બાપુજીની ગુફામાં છપ્પન ભોગની પ્રસાદી ધરાવવમાં આવી હતી. તો દર્શનની સાથે સાથે પ્રાર્થના સભા પણ યોજવામાં આવી હતી.