મુંબઇ, બોલિવૂડના સુપરસ્ટાર શાહરૂખ ખાને પઠાણ ફિલ્મથી દમદાર કમબેક કર્યું હતું. પઠાણ બાદ શાહરૂખની બે ફિલ્મો બોક્સઓફિસ છલકાવવા આવી રહી છે. શાહરૂખની જવાન અને ડંકી પણ પઠાણ જેવો જ રેકોર્ડ બનાવે તેવો માહોલ ઊભો થયો છે. રિલીઝ પહેલાં જ આ બંને ફિલ્મોના નોન થીયેટ્રિકલ રાઈટ્સે બોક્સઓફિસના રીયલ કિંગ તરીકે શાહરૂખની ઈમેજને મજબૂત બનાવી છે. આ બંને ફિલ્મના રાઈટ્સ કુલ રૂ.૪૮૦ કરોડમાં વેચાયા હોવાનું જાણવા મળ્યું છે.
શાહરૂખની અપકમિંગ ફિલ્મ જવાનના સેટ પરથી ફોટોગ્રાસ અને વીડિયો અગાઉ ઘણી વખત લીક થઈ ચૂક્યા છે. આ મામલે પોલીસ ફરિયાદ અને કોર્ટ મેટર પણ થઈ છે. જવાનની અપડેટને અકબંધ રાખવા ચાલી રહેલા પ્રયાસોની વચ્ચે શાહરૂખની લોકપ્રિયતાનો વધુ એક પુરાવો મળ્યો છે. રિલીઝ પહેલાં જ જવાને ડિસ્ટ્રિબ્યુટર્સને ઈમ્પ્રેસ કર્યા છે. જવાનના નોન થીયેટ્રિકલ રાઈટ્સ રૂ.૨૫૦ કરોડમાં વેચાયા હોવાનું જાણવા મળ્યું છે. આ રાઈટ્સમાં ડિજિટલ, સેટેલાઈટ અને મ્યૂઝિક રાઈટ્સનો સમાવેશ થાય છે. આમ, શાહરૂખની જવાન રિલીઝ પહેલાં જ હિટ સાબિત થઈ ગઈ છે. જવાન ઉપરાંત શાહરૂખની ડંકી પણ રિલીઝ પહેલા હિટ સાબિત થઈ છે. ડંકીના નોન થીયેટ્રિકલ રાઈટ્સ રૂ.૨૩૦ કરોડમાં ખરીદાયા છે.
શાહરૂખ ખાનની જવાન સાતમી સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં શાહરૂખની સાથે સાઉથની એક્ટ્રેસ નયનતારા, પ્રિયામણી અને વિજય સેતુપતિ છે. આ ઉપરાંત દીપિકા પાદુકોણ અને સાન્યા મલહોત્રા પણ મહત્ત્વના રોલમાં છે. જવાનમાં શાહરૂખ ખાન એક્શન અવતારમાં જોવા મળશે. રોમેન્ટિક ફિલ્મોના ચોકલેટી હીરો તરીકે ઓળખ ઊભી કરનારા શાહરૂખે કરિયરની બીજી ઈનિંગમાં એક્શન પર ફોક્સ કર્યું છે. પોતાની ઉંમરને અનુરૂપ રોલની પસંદગી કરી રહેલા શાહરૂખે જૂની ઈમેજમાંથી બહાર આવવાના પ્રયાસ કર્યા છે.