
શાહરૂખ ખાન સ્ટારર ફિલ્મ ‘સ્વદેશ’ની અભિનેત્રી ગાયત્રી જોશીના પતિ બિઝનેસમેન વિકાસ ઓબેરોય પર હત્યાનો આરોપ લાગ્યો છે. ખરેખર, એક દિવસ પહેલાં ગાયત્રી જોશીનો ઈટાલીમાં કાર અકસ્માત થયો હતો. જ્યારે આ અકસ્માત થયો ત્યારે વિકાસ કાર ચલાવી રહ્યો હતો અને ગાયત્રી પેસેન્જર સીટ પર બેઠી હતી.
આ અકસ્માતમાં ગાયત્રી અને તેમના પતિનો બચાવ થયો હતો, પરંતુ તેમની સાથે અથડાતા કારમાં મુસાફરી કરી રહેલા સ્વિસ દંપતીનું મોત થયું હતું. આ કેસમાં વિકાસને દોષી ઠેરવવામાં આવ્યો છે. જો કે આ મામલે તપાસ ચાલુ છે. જો તે દોષિત સાબિત થશે તો જ તેમને 7 વર્ષની સજા થશે.
રિપોર્ટ અનુસાર, વિકાસ પર સ્ટ્રીટ મર્ડરનો આરોપ છે. ઈટાલીના કાયદા હેઠળ આ ગુનામાં 7 વર્ષની સજાની જોગવાઈ છે. જો કે, સ્થાનિક અધિકારીઓ હજુ પણ આ મામલે તપાસ કરી રહ્યા છે. વિકાસની લીગલ ટીમ આ તપાસમાં સંપૂર્ણ સહકાર આપી રહી છે.
જો વિકાસ આ કેસમાં દોષી સાબિત થશે તો તેમને જેલ જવું પડી શકે છે. તેમના જેલમાં જવાથી ભારતીય ઉદ્યોગને પણ નુકસાનનો સામનો કરવો પડી શકે છે.
વિકાસ એક જાણીતા બિઝનેસમેન છે. તેઓ મુંબઈની શ્રેષ્ઠ રિયલ એસ્ટેટ કંપની ઓબેરોય રિયલ્ટીના માલિક છે. આ અંતર્ગત તેમણે મુંબઈમાં ઘણા મોલ, હોટલ અને ઓફિસ ટાવર બનાવ્યા છે. વિકાસ મુંબઈમાં લક્ઝુરિયસ વેસ્ટિન હોટેલ પણ ચલાવે છે. અહેવાલો અનુસાર, તેઓ ટૂંક સમયમાં મુંબઈમાં પ્રથમ રિટ્ઝ કાર્લટન હોટેલ ખોલવા જઈ રહ્યો છે.

લમ્બોરગીની અને ફેરારીના ડ્રાઈવરોએ સાર્દિનિયાના એક સાંકડા રસ્તા પર કેમ્પર વાનને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.
ત્રણેય વાહનો એકબીજા સાથે અથડાતાં કેમ્પર વાન પલટી ગઈ હતી. અકસ્માત બાદ ફેરારીમાં આગ લાગી હતી જેના કારણે તેમાં મુસાફરી કરી રહેલા એક સ્વિસ કપલનું મોત થયું હતું. આ અકસ્માતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.
ફ્રી પ્રેસ જર્નલ સાથે વાત કરતા ગાયત્રીએ કહ્યું, ‘વિવેક અને હું ઇટાલીમાં હતાં. અમારો અહીં અકસ્માત થયો હતો. ભગવાનની કૃપાથી અમે બિલકુલ સુરક્ષિત છીએ.
ગાયત્રીના પતિ વિકાસે કહ્યું, ‘અમારી કાર રોડ પરથી ઊતરી ગઈ હતી જેથી અમે બચી ગયા. જો કે આ અકસ્માતમાં વધુ બે લોકોનાં મોત થયાં હતાં.

વીડિયો જોકીથી મોડેલ બનેલી એક્ટ્રેસ ગાયત્રીએ 2004માં ફિલ્મ ‘સ્વદેશ’થી ડેબ્યૂ કર્યું. ફિલ્મમાં તેમની સાદગી અને અભિનય લોકોને પસંદ આવ્યો, પરંતુ તેમ છતાં ‘સ્વદેશ’ તેની પ્રથમ અને છેલ્લી ફિલ્મ બની હતી. આ પહેલાં વર્ષ 2000માં તેણે ‘ફેમિના મિસ ઈન્ડિયા ઈન્ટરનેશનલ’નો ખિતાબ પણ જીત્યો હતો.
2005માં ગાયત્રીએ બિઝનેસમેન વિકાસ ઓબેરોય સાથે લગ્ન કર્યાં હતાં. હવે તે ક્યારેક-ક્યારેક વેકેશન પિક્ચર્સમાં કે તેની બેસ્ટ ફ્રેન્ડ્સ સોનાલી બેન્દ્રે કે સુઝેન ખાનની બોલિવૂડ પાર્ટીઓમાં જોવા મળે છે.